ગોધરામાં વાલ્મિકી સમાજ દ્વારા અંબાજી મંદિરનો 17મો પાટોત્સવ:11-12 એપ્રિલે મહાઆરતી, શોભાયાત્રા અને લોકડાયરાનું આયોજન

ગોધરાના પાવર હાઉસ વાલ્મિકી વાસ ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અંબાજી મંદિરનો 17મો પાટોત્સવ યોજાશે. આ પાટોત્સવ 11 અને 12 એપ્રિલ 2025ના રોજ બે દિવસ સુધી ઉજવાશે.

11 એપ્રિલે રાત્રે 9 વાગ્યે વાલ્મિકી વાસ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા કલેકટર આશિષકુમાર વરદ મહાઆરતી કરાવશે. ત્યારબાદ ભવ્ય લોકડાયરો યોજાશે. લોકડાયરામાં ગુજરાતી અભિનેત્રી અને ગાયિકા મમતાબેન ચૌધરી, સિંગર કમલેશ બારોટ, વિજય ગઢવી અને માઈકલ ડાન્સર સહિતના કલાકારો રમઝટ બોલાવશે.

12 એપ્રિલે સવારે 11થી 1 વાગ્યા દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું આયોજન થશે. જંત્રાલના આંબાવાડી આશ્રમમાં બિરાજેલ 108 શ્રી કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી સીતારામ બાપુ તથા જગતજનની મા અંબેની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા ભુરાવાવ ચાર રસ્તાથી સતનામ સાક્ષી થઈને વાલ્મિકી વાસ પરત ફરશે.

બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ગોધરા નગરના તમામ માઈભક્તોને શોભાયાત્રા અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.