ગોધરા, મહીસાગર જિલ્લાના ડેભારી ગામની બ્રાહ્મણ સમાજની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને કાયદાના રક્ષક ગણાતા પી.આઈ. ખાચરે પોતે જ ભક્ષક બની અને બ્રાહ્મણ સમાજની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને પોતાની માયાજાળમાં ફસાવીને તેને લગ્નની લાલચ આપી હતી અને જ્યારે ડોક્ટર વૈશાલીને આ બાબતની ખબર પડી કે પીઆઇ ખાચર પોતે પરિણીત છે. ત્યારબાદ ના છૂટકે ડોક્ટર વૈશાલી જોશીએ સરકારી કચેરીમાં જઈને સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. જે ખરેખર ખૂબ જ દુ:ખદ ઘટના ગણવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સમાજ અને તેના પરિવારે એક હોનહાર દીકરી ગુમાવવાનું વારો આવ્યો છે. ત્યારે આ દીકરીના પરિવારને ન્યાય અપાવવા માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા અન્ય સંગઠનો મેદાને ઉતરીને દીકરીને ન્યાય મળે તે માટે એક જૂથ સાથે લડી લેવાના મૂળમાં જણાઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના વૈભવ નગર સોસાયટી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો ભેગા થઈ અને દીકરી વૈશાલી જોશીને ન્યાય મળે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
દીકરીને ન્યાય અપાવવા માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શૈલેષભાઈ ઠાકર ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહમંત્રીને એક લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરવાનું જણાવ્યું છે અને લેખિત રજૂઆતમાં આરોપી પીઆઇ ખાચરની તાત્કાલિક ધરપકડ કરીને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગણી કરવામાં આવી છે. સરકાર દ્વારા સમાજના રક્ષણ માટે મુકેલા પીઆઇને કડકમાં કડક સજા મળે તે રીતે ફરિયાદ લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સમાજની લાગણી અને માંગણી છે.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, સમાજ આ દીકરીનો કેસ સારા વકીલને રોકીને લડશે અને આ દીકરીને ન્યાય અપાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજનું એક પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં રજૂઆત કરવા માટે રાજ્યના ગૃહમંત્રી તેમજ જરૂરિયાત જણાશે તો મુખ્યમંત્રીને મળવા માટે પણ જવાનું નક્કી કરવામાં આવશે. ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરકારની વિનંતી પણ કરવામાં આવી છે કે આ દીકરીને ન્યાય અપાવીને આવા રક્ષકો જ ભક્ષકો બને છે. તેમને કડકમાં કડક સજા કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.
જો આ દીકરીને તથા દીકરીના પરિવારને આ દુ:ખદ ઘટના બાબતે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા લાગતા વળગતા તંત્રની આ વેદનાપત્ર પાઠવીને યોગ્ય ન્યાય માટે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવતા પણ ખચકાશે નહીં.