મધ્યપ્રદેશથી વિદેશી શરાબનો જથ્થો ભરીને એક સ્કોર્પિયો ગાડીનો ચાલક વડોદરા તરફ જઈ રહ્યો છે, તેવી બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI સી.એ તાવીયાડને મળી હતી. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના PSI સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. જેથી ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર આવેલા પોપટપુરા ગામે કૃશા ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ દરમિયાન એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીની અટકાયત કરી હતી. તેની અંદર તપાસ કરતા 100 ઉપરાંત અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો પેટીઓ સાથે મળી આવ્યો હતો. જેમાં એક ઈસમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ સંદર્ભમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI સી.એ તાવિયાડએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી શરાબનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે હું અને અમારો સ્ટાફના હેડ કોસ્ટેબલ રાણાભાઇ અને સાજનભાઈ સહિતના સ્ટાફે વોચ દરમિયાન ગોધરા-વડોદરા હાઇવે પાસે આવેલા પોપટપુરા ગામે કુશા ઇન્ડસ્ટ્રીઝ સામે એક શંકાસ્પદ સફેદ કલરની સ્કોર્પિયો ગાડીનો પીછો કરી તેની અટકાયત કરી હતી. તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબના જથ્થા જેની બોટલ નંગ કિંમત રૂ.3,678 જેની કુલ કિંમત 4,25,400 તેમજ સ્કોર્પિયો ગાડીની કિંમત રૂ.4,00,000 તેમજ મોબાઇલ ફોન સહિત રોકડ રકમ 9050 મળી કુલ 9,34,450 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.