
પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઉભી રહેલી કોટા-વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાંથી અંદાજીત દોઢ માસનું બાળક મળી આવ્યું હતું. તાત્કાલિક પોલીસને આ મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકનો કબજો લીધો હતો. હાલ આ બાળકને સારવાર આપવામાં આવી રહી છે. આ બાળક કોણ મુકી ગયું, કેમ મુકી ગયું સહિતના અનેક સવાલોએ તર્કવિતર્ક જગાવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
ગોધરા શહેરના રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર-1 પર વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના ડબ્બાના શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. કોઈ મુસાફરને આ વાત ધ્યાને જતાં તપાસ કરતા એક ચેનવાળા થેલામાં એક બાળક રડી રહ્યું હતું. આ મામલે મુસાફરે તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાળકને શૌચાલયમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આ બાળકને રેલવે સ્ટેશનમાં કોણ છોડી ગયું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. છોડી જનારા માતા-પિતા પર ફિટકાર પણ વરસાવાઈ રહ્યો છે. હાલ બાળકને ગોધરા સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. બાળક હાલ સ્વસ્થ હાલતમાં છે આ મામલે પોલીસ સ્ટેશને બાળકને મુકી જનારા સામે ગુનો નોંધાયો છે અને પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રેલવે વિભાગના ઇન્ચાર્જ PSI ઘનશ્યામસિંહ પઢિયારે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોધરા રેલવે સ્ટેશન પર ઉભી રહેલી વડોદરા-કોટા પૈસેન્જર ટ્રેનના જનરલ કોચમાં રાત્રિના 11:30 કલાકે શૌચાલયમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. જે બાળક મળ્યું છે તે હાલ સ્વસ્થ છે અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું છે. હાલ તો રેલવે પોલીસ દ્વારા આ બાળકના માતા-પિતા કોણ છે તેની તપાસ હાથ ધરાઈ છે.
