નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પરીપત્ર મુજબ આગામી 1 જાન્યુઆરીથી ટોલનાકાઓ પર ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે. જેને લઇને ગોધરા નજીક વાવડી ખુર્દ ટોલનાકા ઓથોરિટી હાલ તો ફાસ્ટેગ વાળા વાહનોનું રીહર્સલ કરી રહ્યા છે. સાથે માઇક દ્વારા તા.1થી ફરજિયાત ફાસ્ટેગવાળા વાહનો પસાર થશે તેવી જાહેરાત પણ કરી રહ્યા છે.
વાવડી ટોલનાકા પરથી રોજના 7 હજાર જેટલા વાહનો પસાર થઇ રહ્યા છે. જેમાંથી 70 ટકા વાહનો ફાસ્ટેગવાળા પસાર થઇ રહ્યા છે. હવે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગવાળા વાહનો જ ટોલનાકા પરથી પસાર થશે. જ્યારે ફાસ્ટેગ વિનાના વાહનો માટે ટોલાનાકા પર પ્રતિબંધ લાગશે. હજુ સુધી ફાસ્ટેગ વગરના વાહનો માટેની કોઇ ગાઇડલાઇન આવી ન હોવાથી ફાસ્ટેગ વગરના વાહનોને પસાર થવા દેવાશે નહિ તેમ વાવડી ખુર્દ ટોલનાકાના મેનેજરે જણાવ્યું હતું.
એક બાજુ અમદાવાદ-ગોધરાનો ટોલ હાઇવે ખખડધજ હાલતમાં હોવાની રજૂઆતો થાય છે ત્યારે ફાસ્ટેગ ફરજીયાત કરતાં ટોલનાકા પર ફાસ્ટેગ વગરના વાહનોની લાઇન 1 જાન્યુઆરીથી જોવા મળશે નહિ.
1લી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત હોવાથી ટોલનાકા પર ફાસ્ટેગ વગરના વાહન ચાલકને ફાસ્ટેગ કઢાવવા ટોલનાકા પાસેની ઓફિસે સુવિધા ઉભી કરી છે. ફાસ્ટટેગ કઢાવવા વાહન ચાલક ઓરિજનલ પાનકાર્ડ, આધારકાર્ડ, અને વાહનની ઓરિજનલ આરસીબુક આપશે એટલે 10 મિનિટમાં જ ફાસ્ટેગ સુવિધા મળી જશે.
વાવડી ખુર્દની આસપાસના 20 કિમીના રહીશો માટે મંથલી પાસ મળતો હતો. હવે તેઓને પણ ફાસ્ટેગવાળા મંથલી પાસ ઇશ્યુ કરાશે. રોજ 2થી 3 હજાર લોકલ વાહનો જાય છે. તેમને 275 ભરીને મંથલી પાસ મળી જશે.