શહેરા, પંચમહાલમાં આવેલો હાલોલ-શામળાજી હાઈવે માર્ગ સતત 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. આ હાઈવે માર્ગ બન્યાને વર્ષો વિતી ગયા છતાં જે તે વિભાગ દ્વારા માર્ગનુ નવીનીકરણ નહિ કરી માત્ર કહેવા પુરતા જ ખાડા પુરવામાં આવતા હોય છે. જેથી આ માર્ગ કેટલીક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી જવાના કારણે આ હાઈવે માર્ગ બિસ્માર બની ગયો છે. ત્યારે ગોધરાથી શહેરા અને શહેરાથી લુણાવાડા તરફના અવર જવર માટે બંને તરફ હાલોલ-શામળાજી હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે ગોધરાથી લુણાવાડા સુધીનો માર્ગ તદ્દન બિસ્માર હાલત થયેલ હોવા છતાં માર્ગને યોગ્ય રીતે બનાવવામાં નહિ આવતા અહિંથી પસાર થતાં વાહનચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સાથે જ વાહનચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છેે. તો કેટલીકવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. બીજી તરફ આ માર્ગનુ રિકાર્પેટિંગ કરવામાં આવ્યુ હતુ તે પણ માત્ર દેખાવ પુરતુ થયુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ ઘ્યાન લઈ જે તે વિભાગ દ્વારા બિસ્માર થયેલા હાઈવેને નવીન બનાવવા માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ વાહનચાલકો સહિત આ વિસ્તારના રહિશો કરી રહ્યા છે.