ગોધરા,સરકારે સામાન્ય લોકો માટે આધારકાર્ડ મહત્વપુર્ણ બનાવી દીધુ છે. કોઈપણ સરકારી કામ હોય જેવા કે, બેંકમાં ખાતુ ખોલાવવા, શાળામાં પ્રવેશ મેળવવા, અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે થાય છે. ત્યારે આધારકાર્ડના પુરાવાને ફરજીયાત બનાવવામાં આવી રહ્યો છે. જાહેર જીવનમાં ઉપયોગી એવા આધારકાર્ડ જે લોકો પાસે આધારકાર્ડ નથી અથવા તો આધારકાર્ડમાં સુધારો-વધારો અથવા બાયોમેટ્રીક અપડેટની કામગીરી માટે મેળવવા લોકો લાંબી કતારોમાં ઉભા રહેતા હોય છે. ત્યારે ગોધરા ખાતે તાલુકા પંચાયત ખાતે આવેલા આધારકાર્ડ સેન્ટર આધારકાર્ડની કામગીરી માટે આવતા લોકોને હાલાકીઓ ભોગવવાનો વારો આવ્યો છે. સેન્ટર પર અગાઉ બે સિસ્ટમથી ઓનલાઈન કામગીરી કરવામાં આવતી હતી. પણ હાલમાં સેન્ટર ખાતે એક જ સિસ્ટમ હોવાના કારણે સ્થળ પર લાંબી કતારો જોવા મળી રહી છે. જેથી હાલમાં આધારકાર્ડ સેન્ટર ખાતે રોજના 100 કાર્ડની અલગ અલગ કામગીરીની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવે છે. તથા એક જ લાઈનમાં મહિલા તથા પુરૂષો ઉભા રહેતા હોવાથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. સેન્ટર પર વધુ એક સિસ્ટમ મુકવા માટે માંગ કરાઈ રહી છે. જેથી આધારકાર્ડની કામગીરી ઝડપી થાય અને લોકોની સમયની બચત થાય.