
- પાનમ સિંચાઇના પાણીના આડેધડ બગાડના કારણે ખેડૂતોને લાખોનું નુકશાન.
નદીસર,
ગોધરા તાલુકાના વાલૈયા વિસ્તારના આલુ ફળિયા વિસ્તારમાં સિંચાઇ મંડળીના અણઘડ વહીવટના કારણે પાનમ સિંચાઇનું પાણી આડેધડ ખેડૂતોના ખેતરોમાં પ્રવેશી જતા ખેડૂતોના ઊભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
આ અંગે મળતી વિગતો અનુસાર એક તરફ ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારે છે, ત્યારે તેનાથી વિપરીત ગોધરા તાલુકાના વાલૈયા ગામના પેટા ફળિયા આલુ ફળિયા વિસ્તારમાં સ્થાનિક સિંચાઇ મંડળીના અણઘડ વહીવટના કારણે રોજ રાત્રીના સમયે પાનમ કેનાલનું પાણી મોટી માત્રામાં ખેડૂતોના ઊભા પાકમાં ઘુસી જાય છે. તેના કારણે ખેડૂતોને પાક કહોવાઈ જતા પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ સતત ચાર-પાંચ વર્ષ થી મોટા પાયે આણંદ ગોધરા રેલવે ટ્રેકને અડકીને આવેલી જમીનોમાં આ પ્રશ્ર્ન ગંભીર બન્યો છે. હજારો ક્યુસેક પાણી બિનજરૂરી રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ગટરો રહી વહી જાય છે કે જે પાણી ખેડૂતોને ફાયદો કરવાને બદલે માત્રને માત્ર નુકશાન કરે છે. મોટા પાયે ખેતરોમાં પાણી ભરાવાના કારણે દર વર્ષે એરંડા, મકાઈ, ઘઉં, હળદર જેવા પાકો કહોવાઇને નિષ્ફળ જાય છે. આ અંગે સ્થાનિક સિંચાઇ મંડળી જો વ્યવસ્થિત આયોજન કરે અને આ પાણીના નિકાલ માટે મોટી ગટર બનાવે તો નિકાલ થાય તેમ છે. હાલ ત્યાં પાણીના નિકાલ માટે જે ગટર બનાવી છે. તે પણ એકલ દોકલ ખેડૂતો એ બનાવી છે, પણ પાણી તે ગટર કરતા પણ વધુ આવતું હોય ખેતરોમાં ભારે માત્રામાં પ્રવેશી જાય છે. આ અંગે સિંચાઇ મંડળીના સૂત્રોનો સંપર્ક કરતા તેવો એ જણાવ્યું હતું કે, રાત્રે ખેડૂતો દ્વારા આડેધડ પાણી લેવાના કારણે આ પ્રશ્ર્ન ઊભો થાય છે. તેમજ આગળના ગામોની સિંચાઇ મંડળીઓ દ્વારા પણ કાળજી રાખવામાં આવતી નથી. ત્યારે નિયમ મુજબ ખેડૂતોને આયોજન પૂર્વક અને નુકશાન ન થાય તે રીતે પાણી આપવાની જવાબદારી સ્થાનિક સિંચાઇ મંડળીની હોય છે. ત્યારે સ્થાનિક સિંચાઇ મંડળીના કર્તાહર્તા ઓ દ્વારા ઉડાઉ જવાબ આપવા આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સદર નુકશાન બાબતે ઉચ્ચ સ્તરે રજુઆત કરી વળતર અંગે માંગ કરવામાં આવનાર હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું.