ગોધરા,ગોધરા તાલુકાના સામલી ગામ આઝાદીના 7 દાયકા બાદ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળી રહ્યુ છે. ગામમાંથી પસાર થતી નદીના કોઝવે પુલ પર રેલિંગના અભાવે લોકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે. ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો-1 થી 8 સુધીના અભ્યાસ માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો દરૂણિયા, ભામૈયા સહિતના વિસ્તારોમાંથી વિધાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવતા હોય છે. વિધાર્થીઓ અવર જવર માટે નદીના પુલનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોઝવે પર રેલિંગ ન હોવાથી જયાં સુધી પોતાનુ બાળક ધરે પરત ન આવે ત્યાં સુધી વાલીઓએ પણ ચિંતામાં રહેવુ પડે છે. તથા કોઝવે પુલ પરથી મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વાહનો જોખમી રીતે અવર જવર કરતા હોય છે. ગામના સરપંચ તખ્તસિંહ દ્વારા પણ કોઝવે પર રેલિંગ બનાવવા વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.