ગોધરા તાલુકાના નારણપુરા ગામે ગેરકાયદેસર માટી ખનન પ્રવૃત્તિ અટકાવી 7 વાહનોને ખનીજ વિભાગે જપ્ત કર્યા

ગોધરા,પંચમહાલ ખાણ ખનીજ વિભાગે જિલ્લામાં ગેરકાયદે ખનીજનુ વહન કરતા 7 વાહનોને ઝડપી પાડી રૂ.85 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી દંડ સહિતની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગોધરા તાલુકાના નારણપુરા ગામે આવેલ જમીનમાંથી ગેરકાયદે માટીનુ ખનન કરવામાં આવતુ હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ધટના સ્થળે પહોંચી ગેરકાયદે માટી ખનનની પ્રવૃત્તિ અટકાવી હતી. તદ્ઉપરાંત ચેકિંગ ટીમે ઘોઘંબા અને કાલોલ વિસ્તારમાંથી ગેરકાયદે રેતીનુ ખનન કરી પસાર થતાં ચાર ટ્રેકટરોને ઝડપી લીધા હતા. આમ ખાણ ખનીજ વિભાગની ટીમે 5 ટ્રેકટર, એક જેસીબી, એક ડમ્પર મળી કુલ રૂ.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.