ગોધરા તાલુકાના નદીસર ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરનાર 12 વ્યક્તિઓ વિરૂધ્ધ TDO દ્વારા કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગોધરા તાલુકાના નદીસર ગામમાં ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી એ ભ્રષ્ટાચાર આચરનાર સામે પોલીસ ફરિયાદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો, અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ હુકમને લઈ કાકનપુર પોલીસ મથકે ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ 2 પદાધિકારી અને 10 કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં તમામ મૂળભૂત સુવિધાઓ પુરી કરવા માટે અને ગ્રામીણ વિસ્તારના રહીશોને અવગડતા ન પડે એના માટે અનેક વિકાસ લક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને કેટલીક પંચાયતોમાં વિકાસના કામો થાય છે. જેમાં આવી ગ્રામ પંચાયતોને સરકાર તરફથી એવોર્ડ પણ આપવામાં આવતું હોય છે, ત્યારે બીજી તરફ આવી પણ ગ્રામ પંચાયતો છે જ્યાં ખાલી કાગળ ઉપર જ વિકાસના કામો બતાવી મોટા પાયે ખાયકી નો ખેલ ખેલવામાં આવતું હોય છે જેને લઈ ત્યાંના રહીશોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવુજ કઈક છે, જ્યાં આજદિન સુધી ત્યાંના રહીશો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે જેને લઈ સ્થાનીય રહીશો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નદીસર ગામમાં આવેલ માછી ફળિયાના રહીશોને રસ્તા ની સુવિધાઓ ન હોવાના કારણે અનેક હાલાકી ભોગવી પડી રહી છે. જેને લઈ તેઓ દ્વારા ગ્રામ પંચાયતના સત્તાધીશો પાસે અનેક વાર રજુઆત કરવા છતાં તેઓને રસ્તાઓ બનાવી આપવામાં ન આવતા સ્થાનીય રહીશો અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગોધરા તાલુકાના નદીસર ગામમાં સરકારી વિવિધ યોજનાઓ હેઠળ થયેલ વિકાસના કામોમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવાની અને આ તમામ વિકાસના કામોની સ્થળ તપાસ કરવા માટે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. આ સમગ્ર રજુઆત ને લઈ પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ટિમો બનાવી નદીસર ગામમાં વર્ષ 2015 થી વર્ષ 2020 સુધીમાં થયેલ 14માં નાણાંપંચ અને 15માં નાણાંપંચના વિકાસના કામોની ચકાસણી હાથ ધરી હતી. જેમાં નદીસર ગામમાં થયેલ વિકાસના કામોમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન તથા કુવા અને બોર જેવા કામોની સ્થળ કરવામાં આવી હતી. આ સમગ્ર કામોની સ્થળ તપાસ કરવામાં આવતા ચોંકાવનારી બાબતો સામે આવી હતી. જેને લઈ વર્ષ 2015 થી વર્ષ 2020 સુધીમાં 14માં નાણાંપંચ અને 15માં નાણાંપંચ યોજનાના 33 જેટલા કામોની ચકસની કરી હતી જેમાં 19 જેટલા વિકાસના કામો સ્થળ ઉપર જોવા મળ્યા ન હતા અને આ તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરેલ હોવાનું મળી આવતા નાયબ જિલ્લા વિકાસ અધિકરી દ્વારા નદીસર ગ્રામ પંચાયત માંથી તમામ કામોના બિલ સહિતના રેકર્ડ જપ્ત કરીને તમામ રેકર્ડ ની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ દસ્તાવેજોની તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી જેમાં કોરા બિલ પણ મળી આવ્યા હતા. જેમાં ફક્ત રકમ લખવામાં આવી હતી અને તેનું પણ નાણાંનું ચુકવણું કરી દેવામાં આવ્યું હોવાનું જણાયું હતું તેમજ સ્થળ ઉપર ન થયેલ કામોના નાણાં પણ ચૂકવી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. માત્ર કાગળ ઉપર જ વિકાસના કામો દર્શાવી 48,19,661 રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું સમગ્ર તપાસ દરમિયાન બહાર આવતા તપાસ કરતી ટીમે આ અંગેનો વિગતવાર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કર્યો હતો. જેના બાદ જિલ્લા વિકાસ અધિકારીએ આ સમગ્ર મામલે અને વિકાસ કામોમાં ભારે ઉચાપત અંગે ગોધરા તાલુકા વિકાસ અધિકારીને આ કૌભાંડ માં સામેલ 2 પદાધિકારી અને 10 કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. સમગ્ર ભ્રષ્ટાચાર માં એક નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર, એક નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર, બે તત્કાલીન સરપંચ, ચાર તત્કાલીન તલાટી કમ મંત્રી સહિત કુલ 12 જના સામે પોલીસ ફરિયાદ કરવા હુકમ પત્ર મળતાજ પંચાયત આલમમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો.

સમગ્ર મામલે કાંકણપુર પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી ગોધરા એ આજરોજ 2-પદાધિકારી અને 10- કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ભ્રષ્ટાચાર આચરનાર 1-નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર એ.એ. નાથાની, 1-નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર એચ.અ.ખાતુડા, 2-તત્કાલીન સરપંચ, 4-તત્કાલિન તલાટી કમ મંત્રી, 4-તત્કાલીન અધિક મદદનીશ ઈજનેરનો સમાવેશ થાય છે. હાલ કાંકણપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરે તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ…


(1) ડાહ્યાભાઇ રૂમાલભાઈ પરમાર-સરપંચ,વર્ષ 2015-16
(2) રેખાબેન વિજયભાઈ માછી-સરપંચ,વર્ષ 2016થી2022
(3) આર.એમ.બારીયા,તલાટી કમ મંત્રી,વર્ષ 2013 થી 2016
(4) બી.કે બારીયા,તલાટી કમ મંત્રી,વર્ષ 2016 થી 2018
(5) પી.વી.પારેખ,તલાટી કમ મંત્રી,વર્ષ 2017-18
(6) એ.પી.મછાર,તલાટી કમ મંત્રી,વર્ષ 2018થી 2020
(7) સી.વી.સુથાર,અધિક મદદનીશ ઈજનેર
(8) કે.એસ પટેલ,અધિક મદદનીશ ઈજનેર
(9) ધીરેન્દ્રસિંહ રાઠોડ, અધિક મદદનીશ ઈજનેર
(10) એ.જી.ધીંગા, અધિક મદદનીશ ઈજનેર
(11) એ.એ.નાથાણી, નાયબ કાર્યપાલક ઈજનેર
(12) એચ.એ ખાતુડા,અધિક મદદનીશ ઈજનેર અને ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે પૈકી બે અધિકારીઓ હાલ વય નિવૃતિ ઉપર છે.


નદીસર ગ્રામ પંચાયતમાં સરકારના વિકાસના કામોની યોજના 14 મા નાણાપંચ તેમજ 15 મા નાણાપંચ તથા ગ્રામ કક્ષાએ વર્ષ-2015-16 ના 4 કામો વર્ષ-2016-17ના 6 કામો વર્ષ.2017-18 ના 5 કામો વર્ષ-2018-19 ના 6 કામો વર્ષ-2019-20 ના 16 કામો મળી કુલ 33 કામો પૈકી 19 કામોમાં સ્થળ ઉપર કામ નહીં થયા હોવા છતાં 48,19,261(અડતાલીશ લાખ ઓગણીસ હજાર છસ્સો એકસઠ) રૂપિયાની રકમની ઉંચાપત કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.