- ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના જુનીધરી ગામે ગટર લાઇન ચોકઅપ થતા ગટરનું ગંદુ પાણી ગામના મુખ્ય માર્ગ પર ઉભરાતા દુર્ગંધ અને ગંદકીના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
નદીસર, ગોધરા તાલુકાના જુનીધરી ગામે ગામના મુખ્ય માર્ગ પર ગંદકી ન થાય તે હેતુ થી બનાવવામાં આવેલ ગટર ઠેક ઠેકાણે ચોકઅપ થઈ જતાં છેલ્લા કેટલાક માસ થી ગામના મુખ્ય માર્ગ પર જ ગટરનું પાણી ઉભરાઈને આવે છે. મુખ્યત્વે પશુપાલન પર નભતું ગામ હોય ગટરમાં અન્ય પાણી સાથે પાલતું પશુઓનાં ઝરણ અને કોઢના પાણી પણ આવતા ગામનો જાહેર માર્ગ ગંદકી અને દુર્ગંધના કારણે ખરાબ બન્યો છે. એક તરફ નીચે આર.સી.સી. રોડ અને ઉપર રાત-દિવસ વહેતું ગટરનું પાણી તેના કારણે રોડ પણ ઠેક ઠેકાણે લપસી જવાય તેવો થઈ ગયો છે. જેના કારણે રસ્તે જતા આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સદર માર્ગ ગામનો મુખ્ય માર્ગ છે, જે માર્ગ પર જ ગામની શિક્ષણ સંસ્થાઓ, સહકારી ડેરી, પંચાયત, મંદિર આવેલાં હોય રોજ સવાર-બપોર સાંજ માર્ગ પર નાગરિકોની આવન જાવન રહે છે. તેમજ આસપાસના રહીશોને પણ સતત દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવું પડે છે. જેના કારણે રોગચાળાનો પણ ભય રહે છે. આ અંગે સ્થાનિક સત્તાધીશોને પૂછતા ભૂતકાળમાં નિયમિત સફાઈ થતી હતી, પણ હવે આસપાસના કેટલાક રહીશો ગટર સાફ કરવા માટે કામ કરવા દેતા નથી. તેમજ પંચાયતની આવક ઓછી હોય સફાઈ કામ માટેના નાણાં પણ નથી. ગામના યુવા આગેવાન મહેન્દ્ર માછી સદર ગટરોને સાફ કરી ગંદા પાણીનો વ્યવસ્થિત કાયમી ધોરણે ઉકેલ લાવવા પંચમહાલ જીલ્લાના ડી.ડી.ઓ.ને પણ લેખિતમાં રજુઆત કરેલ છે.