ગોધરા તાલુકાના જાલીયા ગામે શકકરિયાની ખેતીમાં ભુંડોના ત્રાસથી ખેડુતો પરેશાન

ગોધરા, પંચમહાલ જિલ્લાનુ એકમાત્ર એવુ ગામ છે કે જયાં ઉપવાસમાં આરોગવામાં આવતા ઉંધિયાના સ્વાદને મીઠો બનાવતા શકકરિયાનુ મબલખ ઉત્પાદન થઈ રહ્યુ છે. અને એમાં રેસા વગરના સ્વાદમાં મીઠા અને રાસાયણિક ખાતરના ઉપયોગ વગરની પ્રાકૃતિક શકકરિયાની ગોધરા તાલુકાનુ જાલીયા ગામના ખેડુતો કરી રહ્યા છે. અહિં 75 ટકા જમીનમાં એટલે કે અંદાજિત 200 વિઘા જમીનમાં હાલ ખેડુતો શકકરિયાનુ વાવેતર કર્યુ છે.પ્રાકૃતિક ખેતીના અભિગમને જાલીયા ગામના ખેડુતો સ્વમેળે જ અપનાવી રહ્યા છે. પરંતુ અહિંના ખેડુતો જંગલી ભુંડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને રોજ રાત્રે પાકને બચાવવા માટે ઉજાગરા વેઠી રહ્યા છે. જાલીયા ગામના ખેડુતો સરકાર પાસે તારની કાંટાવાળી વાડની યોજનાનો લાભ તમામ ખેડુતોને અલાયદા રીતે આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. જાલીયા ગામના ખેડુતોની હાલત જંગલી ભુંડને લઈ ખુબ જ કફોડી બની છે. અહિં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જંગલી ભુંડો રાત્રિ દરમિયાન ખેતરોમાં ધુસી જાય છે અને પાકોને ભારે નુકસાન કરે છે. જેથી ખેડુતો પોતાના મહામુલા પાકોનુ રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જ ઉંચાઈ ઉપર ઝુંપડુ બનાવી સુઈ જવા મજબુર બન્યા છે.