ગોધરા, પંચમહાલ એલસીબી પોલીસે સામલી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ત્રણ ઇસમોને ચોરીની મોટર અને સેંટિંગ પ્લેટ સાથે ઝડપી પાડયા હતા. પોલીસ દ્વારા ચંચેલાવ ગામે આવેલી ઈલેક્ટ્રીક અને ભારતમાલા હાઇવે સાઈટ પર થયેલી ચોરીઓના ભેદ ખૂલ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ રબારીને બાતમી મળી હતી કે થોડા સમય અગાઉ ગોધરા તાલુકાના ચંચેલાવ ગામે આવેલી ઈલેક્ટ્રીક મોટરની દુકાનમાં ચોરી થઈ હતી. તેમજ ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે આવેલ ભારતમાલા પ્રોજેક્ટ હાઇવેની સાઇટના પુલ પાસે સેન્ટિંગ પ્લેટની ચોરી થઈ હતી. આ ચોરીનો મુદ્દામાલ એક કારમાં ભરીને કેટલાક ઈસમો સામલી ગામના જંગલ તરફ કેટલાક ઈસમો આવી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે સામલી ગામ નજીક આવેલ ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી હતી અને બે ઇસમોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા તેઓના નામઠામ પૂછતાં તેઓએ પોતાના નામ સલીમ ઉર્ફે દુલ્લો હસન કલા અને હુસેન ફારૂક અસલા ઉર્ફે લાભરો જણાવ્યું હતું, પકડાયેલા ઈસમો પાસેથી પોલીસને લોખંડની નાનીમોટી સેન્ટિંગ પ્લેટ, જૂની સભમર્સીબલ ચાર મોટર, 6 જેટલા સભમર્સીબલ પંપ, કોપર વાયરનો જથ્થો સહિતનો સામાન મળી આવ્યો હતો. આમ, પોલીસે કાર સહિત કુલ રૂ 2.52 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ, એલસીબી પોલીસે બે જેટલી ઘરફોડ ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.