ગોધરા તાલુકાના ભલાણીયામાં ડામરનો રોડ તોડીને નવીન આરસીસી રોડ બનાવવાની કામગીરી 15 દિવસ અગાઉ શરૂ કરવામાં આવી છે. આજુબાજુના ગામોમાં અવર જવર માટે આ જ રોડનો ઉપયોગ કરાતો હોય છે. પરંતુ રોડની બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાથી આજુબાજુના ગામોના લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ભાટપુરાના ગ્રામજનોએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, અમારા ગામમાં અવર જવર કરવા માટે ભલાણીયામાંથી પસાર થતાં રોડનો ઉપયોગ કરાતો હોય છે. પરંતુ રોડની કામગીરી મંથરગતિએ ચાલતા અભ્યાસ માટે મહેલોલ જતાં ગામના છોકરાઓ હાલ જઈ શકતા નથી. ભણતર બગડી રહ્યુ છે સાથે ગામના રિક્ષા ચાલકોનો ધંધો બંધ થઈ ગયો છે. સાથે ભાટપુરાના ગ્રામજનોને અન્ય કામ માટે ગામ બહાર જવુ હોય તો લાંબો ફેરો મારવો પડી રહ્યો છે. જયારે દુધ મંડળીમાંથી દુધ લેવા આવતા દુધના વાહનોને અન્ય ગામમાંથી આવવા માટે સેક્રેટરીને દરરોજ ખરસાલીયા સુધી જવુ પડે છે. જેથી લોકોનો સમય સાથે ઈંધણનો પણ વેડફાટ થઈ રહ્યો છે. તથા ગામમાં જો કોઈ બિમાર હોય કે અન્ય સારવાર માટે એમ્બ્યુલન્સને આવવા-જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તો જે તે વિભાગ દ્વારા રોડની કામગીરી કરતા કોન્ટ્રાકટરને તાત્કાલિક જાણ કરી વહેલી તકે રોડની કામગીરી પુર્ણ કરવાનુ જણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.