ગોધરા સ્વામી લીલાશાહ સમુહ લગ્ન સમિતી દ્વારા પાંચમાં સમુહલગ્નનું આયોજન : 10 જેટલા નવદંપત્તિએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની શરૂઆત કરી

અત્યારે લગ્નસરાની સીઝન શરૂ થઈ છે. ઘણા સમાજોમાં હવે સમુહલગ્ન તરફ વળ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં સ્વામી લીલા શાહ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાંચમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં 10 જેટલા નવદંપત્તિએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી. આ નવદંપત્તિઓને અગ્રણીઓ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વામી લીલાશાહ સમુહલગ્ન સમિતી તેમજ શ્રી સ્વામી લીલાશાહ આશ્રમ લીલાશાહ કુટિયા દ્વારા 5માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલા નવયુગલ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. કાર્યક્રમમાં ગણેશ સ્થાપના (પલ્લવ), ડીખ (સહેરાબંટી), હસ્તમેલાપ સહિતના પ્રસંગો યોજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભીલવાડા રાજસ્થાન સનાતન મંદિરના મહામંડલેશ્વર સ્વામી હંસરામજી ઉદાસીન ખાસ ઉપસ્થિત રહીને સૌ નવદંપતિને આર્શિવાદ પાઠવ્યા હતા. તો મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો તેમજ અગ્રણીઓ હાજર રહી નવીન દંપતીને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે આજના મોઘવારીનાં જમાનામાં આ રીતે થતા સમુહ લગ્નોથી પરિવાર પર થતા આર્થિક ભારણ ઓછું થાય છે.