ગોધરા સ્ટેશન રોડ શંકર લોજ ઉપર ૨૦૧૪ના મારામારીનો કેસ કોર્ટમાં ચાલી જતાં ૯ આરોપીઓને ૪ વર્ષની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ

ગોધરા,
ગોધરા શહેરમાં ૨૦૧૪માં સ્ટેશન રોડ ઉપર આવેલ શંકર લોજ ઉપર ૯ આરોપી ઈસમો આવ્યા હતા. પ્રેસીડેન્ટ ટ્રાવેલ્સના ઓફિસ ઉપર બુકિંગ બાબતે માથાકુટ કેમ કરી હતી તેમ કહી આરોપી ઈસમોએ સતીષભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે પોલીસ મથકે ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૪૩, ૧૪૭, ૧૪૮ મુજબ ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટ દ્વારા ૪ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.

ગોધરા શહેર સ્ટેશન રોડ ઉપર આવેલ શંકર લોજમાં તા.૨૮/૦૫/૨૦૧૪ના રોજ આરોપીઓ અનીલ દયાલદાસ લાલવાણી, અશોકકુમાર ઉર્ફે લહેરી ફતનદાસ લાલવાણી, ભાવેશ ઉર્ફે ભલો બાબુભાઈ ફટવાણી, ચમનભાઈ મુલચંદ કલવાણી, સુરેશ મગનલાલ દેરાઈ, સુનીલ જમનદાસ ખેમચંદ લાલવાણી, મનીષ ઉર્ફે મની ખેમચંદ લાલવાણી, જીતુભાઈ ઉર્ફે જયેન્દ્ર દયાલદાસ લાલવાણી, મનોજભાઈ કુંદનદાસ ગોવરાણી જે ફરિયાદીના ભાઈની શંકર લોજ પર આવ્યા હતા. અને સતીષ પરમાનંદ હરવાણીએ કહેલ કે, તુ સવારે પ્રેસીડેન્ટ ટ્રાવેલ્સની ઓફિસ પર તારા ફોઈના છોકરા મહેરાની ટ્રાવેલ્સ બુકિંગ માટે માથાકુટ કેમ કરેલ હતી તેમ કહી સુનીલ લાલવણીએ ધોલો મારી, અશોક લાલવાણીએ બેઝબોલનો દંડો મારી અન્ય આરોપીઓએ ગડદાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે પોલીસ મથકે ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, તથા ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવવા પામી હતી. આ ગુનામાં પોલીસે તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. કેસ નામદાર એડિ.ચીફ જયુડિ.મેજી.જીગ્નેશ ગીરીશભાઈ દામોદ્રાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ગુનામાં તકસીરવાન કરવામાં આવ્યા છે. આરોપીઓને ઈપીકો કલમ-૧૪૩ના ભંગ બદલ પ્રત્યેક આરોપીને ૩ માસની સજા ૧૦૦૦ રૂપિયાનો દંડ, ઈપીકો કલમ-૧૪૮ના ગુનામાં પ્રત્યેક આરોપીને ૧ વર્ષની સજા અને ૧૦૦૦ રૂપિયાનો દંડ, કલમ-૩૨૩ના ગુનામાં પ્રત્યેક આરોપીને ૩ માસની સજા, ઈપીકો કલમ-૫૦૪ના ગુનામાં પ્રત્યેક આરોપીને ૧ વર્ષની સજા અને ૫૦૬(૨)ના ગુનામાં ૪ વર્ષની સાદી કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.