ગોધરા શહેરમાં શ્રી દશા શ્રીમાળી સોની જ્ઞાતિપંચ ગોધરા અને કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ઉત્સવ સમિતિ દ્વારા ગોધરાના લાલબાગ મંદિર ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરના 23મા પાટોત્સવ નિમિત્તે ગઈકાલે રાત્રે મંદિરના પટાગણમાં ગરબાનું તથા સમાજના ઉત્સાહી બાળકો માટે ડાન્સ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવતા સમાજના બાળકો, ભાઈઓ, બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને મોડી રાત સુધી ડીજેના તાલે ગરબા રમ્યા હતા. ગરબામાં સુંદર પ્રદર્શન કરનાર ભાઈ બહેનોને પ્રોત્સાહક ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.
ત્યારે આજરોજ મંદિર ખાતે સવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ કળશ પૂજન, ધજાજી પૂજન, અભિષેક પૂજન, મહાલક્ષ્મી હોમ, શણગાર આરતી, સંધ્યા આરતી, મહાપ્રસાદી તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રા સોની વાડ ચોકથી ગોધરાના વિવિધ રાજમાર્ગો પર સવાર થઈ લાલબાગ મંદિર ખાતે વાજતે ગાજતે આતસબાજીના ધૂમ ધડાકા ડીજેના તાલે પરત લાવવામાં આવશે. સાથે સમાજના 75થી વધુ ઉંમરના વડીલોનું સન્માન કરવામાં આવશે અને સોની સમાજ દ્વારા એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવશે. જેમાં ગોધરામાં વસતા તમામ સોની જ્ઞાતિજનોના જન સંખ્યા જેવી બાબતોની પુસ્તિકામાં જાહેરાત કરવામાં આવશે.