પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા આપવા માટે જીવાદોરી સમાન તરસંગ જુથ પાણી પુરવઠા યોજનાના પાણી વિતરણ સ્થળે યાંત્રિક ખામી સર્જાતા ગોધરા અને શહેરા તાલુકાના સદર યોજના અંતર્ગત આવતા ગામોમાં બે દિવસથી પાણી પુરવઠો આપી શકાયો ન હતો. જેના કારણે નદીસર, વલ્લભપુર, બોરડી સહિતા યોજના અંતર્ગત પાણી મેળવતા ગામોના વિવિધ ફળિયાઓમાં નાગરિકોને પાણી વગર વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના કોઈ સ્ત્રોત ન હોવાના કારણે સમસ્યા ખુબ ધેરી બની હતી. આ અંગે પાણી પુરવઠા વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યુ હતુ કે,તરસંગ જુથ યોજના ખાતે જયાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં યાંત્રિક ખામી સર્જાતા આ સમસ્યા ઉભી થઈ છે. જે એકાદ દિવસમાં વિભાગ દ્વારા ઠીક કરીને તાત્કાલિક અસરથી તમામ ગામોમાં તબકકાવાર પાણી વિતરણ કરવામાં આવશે.