સમગ્ર ગુજરાત રાજયની નગરપાલિકાઓ સાથે ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં રહેવાસીઓની સુખાકારી માટે ભુગર્ભ ગટર લાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી પુર્ણ થયા બાદ કેટલાક વિસ્તારોમાં પાણી બહાર આવવા સહિતની ફરિયાદો ઉઠી છે. જે અંગેની સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી.
ગોધરના વોર્ડ નં.-1ના સિંદુરીમાતા રોડની સોસાયટીઓ વિસ્તારમાં ભુગર્ભ ગટરની પાઈપો નાની નાંખી હોવાથી વિસ્તારમાં વારંવાર ભુગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા રેલાતા હતા. જેથી વિસ્તારમાં ગંદકી સાથે દુર્ગંધ ફેલાતી હતી. અને રસ્તા પર પાણી ભરાતા રસ્તા પણ તુટી ગયા હતા. જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કરવામાં આવતા પાલિકા દ્વારા માર્ચ માસમાં ભુગર્ભ ગટરની નાની પાઈપો કાઢીનો મોટી પાઈપો નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્રણ માસ જેટલો સમય પસાર થવા આવ્યો છતાં પણ ભુગર્ભ ગટરની કામગીરી અધુરી જોવા મળી રહી છે. ખાડા ખોદયા બાદ રસ્તાની વચ્ચે માટીના ઢગલાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મોટી પાઈપ નાંખવા ખોદવામાં આવેલા ખાડામાં પાઈપો ફીટ કર્યા બાદ માટીના ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. ચેમ્બરોની કામગીરી અધુરી છે તો કેટલીક ચેમ્બરો બનાવવા માટે ઈંટો જેમની તેમ પડેલી જોવા મળી રહી છે. અધુરી કામગીરીને લઈને વિસ્તારના લોકોના બાળકો ખુલ્લી ચેમ્બરમાં પડી જાય તેના ડર સાથે આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થશે ત્યારે ઢગલો મારેલી માટી વરસાદી પાણી સાથે ખુલ્લી ચેમ્બરોમાં થઈને પાઈપો જમા થઇ જશે.અને પાણીનો નિકાલ અટકી જતાં વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવો થશે તેનો ડર અત્યારથી સતાવી રહ્યો છે. તો પાલિકા દ્વારા તાત્કાલિક વિસ્તારની ગટરની ચેમ્બરોની અધુરી કામગીરી પુરી કરવામાં આવે તથા માટીના ઢગલા દુર કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.