ગોધરા,ગોધરા સિગ્નલ ફળિયા ખાતે બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર હતો. ત્યારે સ્થાનિક કાઉન્સિલરના પતિ મુખ્ય માર્ગના ચેમ્બરને રિપેરીંગ કરતા નજરે પડ્યા હતા. પાલિકાના પાપે પાછલા ધણા સમયથી મુખ્ય માર્ગની ભુગર્ભ ગટરનુ ચેમ્બર તુટી જતાં નાના-મોટા અકસ્માતોના પગલે પાલિકામાં અનેકવાર રજુઆતો કરવા છતાં સમારકામ ન કરાતા લોક ફાળાથી કામગીરી કરવા મજબુર બન્યા હતા.
ગોધરા સિગ્નલ ફળિયાના મુખ્ય માર્ગ પર મુન્ના ફળિયા નજીક મુખ્ય ભુગર્ભ ગટરનુ ચેમ્બરનુ ઢાંકણુ તુટી જવા પામેલ હતુ. જેને લઈને પાલિકામાં અનેકવાર રજુઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા સમસ્યાને ઘ્યાને નહિ લેતા રોજ નાના-મોટા અકસ્માતોને ટાળવા સ્થાનિક મહિલા કાઉન્સિલર ફેમીદાબેન વલીવાંકાના પતિ જાવેદભાઈ દ્વારા બપોરની કાળઝાળ ગરમીમાં જાતે સિમેન્ટ-રેતી તેમજ અન્ય સામાન લાવીને ચેમ્બરની કામગીરી પુર્ણ કરી હતી.