ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડેલ દર્દીને કરંટ લાગવાની સાથે ગંભીર રીતે દાઝી જતાં અફડાતફડી

  • યુવક ચાલુ વીજ સપ્લાયવાળા ડીપી ઉપર ચડી જતાં મોટો ધડાકો થયો.
  • દોડધામ વચ્ચે યુવકને ટ્રાન્સફોર્મર ઉપર થી ઉતારી સારવાર શરૂ કરાવાઈ.
  • યુવકને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચવા સાથે આબાદ બચાવ.
  • હોસ્પિટલના સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી
  • વધુ એકવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીનો કિસ્સા થી ગોધરા શહેરમાં ચકચાર મચી.

ગોધરા,
૧૦૮ મારફતે મોરવા(હ) પી.એચ.સી. માંથી વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ એક ટીબી અને માનસીક રોગ થી પીડાતો દર્દી અચાનક હોસ્પિટલની પાછળ વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતાં ધડાકો સર્જાયો હતો.જેના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ચાલુ વીજ પ્રવાહ પસાર થતો હોય આ ડીપી ઉપર ચડેલ દર્દીને કરંટ લાગતા હાથના ભાગે દાઝી ગયો હતો. આ બિહામણા દ્દશ્યો જોતા ઉપસ્થીતોમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી. બાદમાં તાત્કાલીક અસર થી તેને નીચે ઉતારીને આ દર્દીની ગંભીર હાલત જોતાં સારવાર શરૂ કરવામાં આવી છે.

મોરવાહડફ પી.એચ.સી.સેન્ટર નો દર્દી મોહનભાઇ પર્વતભાઈ રાવત છેલ્લા કેટલાક સમય થી ટીબી અને માનસીક રીતે પિડાઈ રહ્યા હતા. સોમવારના રોજ આ દર્દી મોહનભાઈ ને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર દરમિયાન દર્દી વોર્ડ માંથી બહાર નીકળીને સંકુલમાં આમ તેમ આંટા મારી રહ્યો હતો. ત્યારે અચાનક સિવિલ હોસ્પિટલ પરિસરના પાછના ભાગે આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધરાવતી હાઈટેન્શન લાઈન ઉપર ચડી ગયો હતો અને ચાલુ વીજ પ્રવાહ ધરાવતી આ સાધનોને સ્પર્શવામાં આવતાં ઉંધીગુલાંટે લટકી ગયો હતો. જીવંત વિદ્યુત વાળી વીજ ડીપી પર ચઢી જતા મોટો ધડાકો થતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા. ભયનો માહોલ સર્જાયો હતો. અને લોકોએ બચાવ બચાવની બૂમો પાડતા સિવિલ માંથી તબીબી ટીમ દોડી આવીને જીઈબી તંત્રને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ઉંધા માથે લટકેલ આ યુવાનને જોતાં બિહામણા દ્દશ્યોને લઈને દોડી આવેલા લોકોના જીવ તાડવે ચોંટી ગયા હતા. અને તેના માટે અનુકંપા વ્યકત કરી હતી. ગંભીર રીતે ડાબા હાથે દાઝી ગયેલ યુવક ને સ્થાનિકો અને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ગણતરીના સમયમાં વીજ ડીપી પરથી ઉતારીને આબાદ બચાવી લેવાયો હતો. દાઝી ગયેલા આ યુવકને તાત્કાલીક અસરથી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પહેલે થી જ ટીબી અને માનસીક રીતે પિડાતા આ દર્દી દાઝયા બાદ તેના હદયને અસર પહોંચતા તેની હાલાત ગંભીર બની હતી. પરંતુ તબીબી દ્વારા ઓકિસજન તથા દવા આપવામાં આવીને તેને બચાવવા માટેના પ્રયત્નો આદર્યા હતા.

માનસિક રોગ થી પીડાતો હોવાનું તેમજ ટી.બી પેશન્ટ હોવાનું સિવિલના સિવિલ સર્જન દ્વારા જણાવાયું હતું.ત્યારે આ દર્દીએ સિવિલ પરિસર માં આવેલી ચાલુ વીજ ડીપી પર ચડી ગયો હતો. જે ચાલુ સપ્લાય વાળી ડીપી પર ચોંટી ગયો હતો.જે યુવક ને સ્થાનિકો એ વીજ ડીપી પરથી ઉતારી વધુ સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ બનાવને લઈ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી.ત્યારે વધુ એકવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. બનાવને પગલે ગોધરા શહેર માં ચકચાર મચી જવા પામી છે.