ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો :ભારે પવન સાથે કમોસમી વરસાદ

ગોધરા,રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 16 મે સુધી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી વચ્ચે પંચમહાલ જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે મોડીસાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યા હતા. વાવાઝોડા સાથે વરસાદી વાદળોની ફોજ ઉતરી પડી હતી. ભારે પવન બાદ સમગ્ર વાતાવરણ વરસાદી વાદળોને કારણે અંધારિયું બન્યું હતું. મોડીસાંજે વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. વાવાઝોડાને પગલે શહેરી વિસ્તારોમાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. કમોસમી વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું. બીજીતરફ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે ગરમીમાં ઉકળાટભર્યા વાતાવરણથી શહેરીજનોએ રાહત મેળવી હતી. વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની ઘટના પણ સામે આવી હતી.

મોરવા તાલુકાના વંદેલી ગામ ચોરા ફળિયામાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવી જતા મંડપ ઉડી ગયો હતો. અને મોટા પાયે નુકશાન થયું હતું.