ગોધરા,ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ નાડીયાવાસમાં ગંદા પાણીનો નિકાલ ન થવાના કારણે ચારેકોર કાદવ કીચડ અને પાણીનો ભરાવો તથા લીલના થર જામી ગયા હતા. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો સહિત બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને રાત્રિ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવના લીધે ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા જેવા ભયગ્રસ્ત રોગ થવાની શક્યતા વધવા પામી હતી. ત્યારે બીજી બાજુ આ વિસ્તારનાં સ્થાનીક લોકો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં હતા. જેનો અહેવાલ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ બાબતની જાણ ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી થતા તાત્કાલિક ધોરણે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સેનેટરી ઇન્સ્પેક્ટરને સૂચનાઓ આપી અને ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ નાડીયાવાસમાં ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેની ગણતરીના કલાકોમાં ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા તા 27 માર્ચ બુધવારે સવારે યુદ્ધના ધોરણે ગંદા પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.