ગોધરા, પ્રાપ્ત માહિતી મુજબ સંતરામપુર તાલુકાના લીમડી ડોળી ગામે રહેતા વિનોદભાઈ કાળુભાઇ બામણીયાએ ગોધરા શહેર અ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઈ અશ્વિનભાઈ બામણીયાના લગ્ન ચાર વર્ષ અગાઉ રજાયતા ગામના બળવંતભાઈ મુનીયાના દીકરી લીલાબેન સાથે કર્યા હતા. લગ્ન બાદ લીલાબેન અને અશ્વિનભાઈ ગોધરા શહેરના કાછીયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા હતા. જ્યારે તેઓ પ્રસંગોપાત પોતાના ઘરે જતા હતા. ઘરે જતા ત્યારે અશ્વિનભાઈ સતત મૂંઝાયેલા રહેતા હતા. જેથી તેઓના પરિવારજનોએ પૂછતાં પત્ની લીલાં સાથેના અણબનાવ સામે આવ્યા હતા.
બે વર્ષ અગાઉ અશ્વિનભાઈએ પત્ની લીલાબેનને અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ હોવાથી ટોકતા પત્ની લીલાબેન તેઓ સાથે ઝઘડો કરીને પિયરમાં ચાલી ગયા હતા. જે બાદ અશ્વીનભાઈના પરિવારજનોએ પંચરાહે સમાધાન કરીને લીલાબેનને તેડી લાવ્યા હતા અને પતિ-પત્ની ગોધરા શહેરમાં રહેવા આવ્યા હતા. જે બાદ અશ્વીનભાઈએ પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, લીલા હજુ સુધરતી નથી. અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યા છે. હું નોકરી પર જાઉં પછી તેના પ્રેમીને મળવા માટે બોલાવે છે, તેમ જણાવ્યું હતું.ગત 20 માર્ચે વિનોદભાઈ બામણીયાને ફોન દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓના નાનાભાઈ અશ્વિનભાઈએ લોખંડના હુક પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે.
જેથી તેઓ પરિવારજનો સાથે તાબડતોબ ગોધરા દોડી આવ્યા હતા, જ્યાં અશ્વિનભાઈની પત્ની લીલાબેન જોવા મળી ન હતી. જે બાદ અશ્વિનભાઇના મૃતદેહને નીચે ઊતરતા તેઓના પેન્ટના ખીસ્સામાંથી એક લખાણવાળું કાગળ મળી આવ્યું હતું. જે સાચવીને મૂકી દીધું હતું, ત્યારબાદ અશ્વીનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ કરવામાં આવી હતી.ે જેમાં અશ્વીનભાઈના પત્ની લીલાબેનને જાણ કરી હોવા છતાં હાજર નહોતા રહ્યા, અંતિમવિધિ પૂર્ણ થયાના થોડા સમય બાદ અશ્વીનભાઈ દ્વારા લખાયેલ કાગળ તપાસતા તેમાં મોટો ઘટસ્ફોટ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અશ્વીનભાઇએ પોતાના હાથે લખ્યું હતું કે તેઓની પત્ની લીલાબેનના અન્ય પુરૂષો સાથે પ્રેમ સંબંધ હતા. અશ્વીનભાઈના નોકરીએ ગયા બાદ લીલાબેન તેઓના પ્રેમીને રૂમ પર બોલાવીને મળતા હતા.
જે બાબતે અશ્વિનભાઈ અવારનવાર કહેવા છતાં લીલાબેને સબંધ યથાવત રાખીને અશ્વીનભાઈ સાથે ઝઘડો કરીને તેઓને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. લીલાબેન ચોરી છુપીથી પોતાના પ્રેમીઓ સાથે વાત કરતા હતા, જેથી અશ્વીનભાઈ કહેતા ઝઘડો થતો હતો અને લીલાબેને પોતાની આદતો છોડી ન હતી અને અશ્વીનભાઈને મરવા માટે મજબૂર કર્યા હતા. તેઓના પ્રેમીનું નામ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના ભમાત શક્તિભાઈ અને અન્ય પ્રેમીનું નામ સંતરામપુર તાલુકાના કુરેટા ગામના ડામોર શૈલેષભાઈ હોવાનું ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને તા. 6 એપ્રિલ શનિવારે સાંજે સાડા પાંચ કલાકે ગોધરા શહેર અ ડિવિઝન પોલીસે લીલાબેન સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપતા હોવાનો ગુનો નોંધીને તેઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.