
ગોધરા,ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટર લગાવવાના વિરોધ સાથે જીલ્લા કલેકટર સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વીજ મીટર લગાવ્યા બાદ પડી રહેલી સમસ્યાઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કલેકટર દ્વારા MGVCL કના અધિકારીને સાથે રાખીને તમામ સમસ્યાઓના નિકાલ માટે ખાતરી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વડોદરા બાદ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ સહિત આશરે 5 હજાર જેટલા ગ્રાહકોની ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. ત્યારે હાલ કેટલાક વીજ ગ્રાહકો દ્વારા સ્માર્ટ વીજ મીટરમાં સમસ્યાઓના આક્ષેપ સાથે કામગીરી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે.
ગોધરા ધારાસભ્યને પણ સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી છે. જેને લઇને પંચમહાલ જીલ્લા સેવાસદન કચેરી ખાતે જીલ્લા કલેકટર, આશિષકુમાર દ્વારા ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, MGVCL ના ઇજનેરને સાથે રાખીને આવા ગ્રાહકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગ્રાહકો દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ પડી રહેલી સમસ્યાઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા પણ ગ્રાહકોને પડી રહેલી સમસ્યાઓનું સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ગ્રાહકોએ માંગ કરી છે કે, સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોના ખાતા માંથી વધુ પૈસા કપાઈ રહ્યા છે સાથે જ પ્રિપેડ મીટર કરતા સ્માર્ટ વીજ મીટરમાં યુનિટ દીઠ વધુ નાણાં વસુલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જીલ્લા કલેકટર દ્વારા ઇજનેરને સાથે રાખીને તમામ પ્રશ્ર્નોના નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. તદ્દઉપરાંત ગોધરા શહેરના સ્લમ વિસ્તારોમાં કેટલીક સમજ સાથે સ્માર્ટ વીજ મીટરનું જોડાણ આપવામાં આવશે. તેમ ધારાસભ્યે રજૂઆત કરી હતી.