ગોધરા,
સમાજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના હેતુથી ન્યૂજર્સી અમેરિકાના સુભાષભાઈ શાહે એક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે. પોતાના પત્ની સ્વર્ગસ્થ ભગવતીબેનની ઈચ્છાને મૂર્તિમંત કરવા તેમને નવીન અભિગમ સાથે સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દાનના મહિમામાં અન્નદાન પછી વસ્ત્ર દાનને મહત્વ અપાય છે. સ્વર્ગસ્થ ભગવતીબેનની ઈચ્છા મુજબ વપરાયેલા પરંતુ સારી સ્થિતિમાં હોય એવા કપડાં વતનમાં તથા ગુજરાતના વિવિધ ગામોમાં આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ લોકોને માત્ર રૂ.25 લઈને આપવામાં આવી રહ્યા છે. એમાંથી થતી આવક સંસ્થાની અન્ય સેવાકીય પ્રવૃત્તિમાં ખર્ચ કરવામાં આવે છે. લાયન્સ ક્લબ ગોધરા તથા સાંઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ગોધરાના ડોક્ટર યોગેશ જોશીના સહયોગથી તા.12 ફેબ્રુઆરી રવિવારે સવારના 10 થી 1 દરમિયાન પાંજરાપોળ રોડ, ગોધરા ખાતે કપડાં વિતરણ કરવામાં આવનાર છે. તો જરૂરિયાતમંદોને લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.