ગોધરા શહેર ખાતે આવેલી પંચમહાલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કોર્ટ દ્વારા ગોધરા ખાતે કાર્યરત સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇનસ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરને આગામી તા.21.6.2023નાં રોજ હાજર રહેવા ફરમાન પાઠવ્યું છે

ગોધરા, ગોધરા શહેરના ઇનસ્યોરેન્સ ધારકે વળતર મામલે ઇનસ્યોરેન્સ કંપની સામે પંચમહાલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કોર્ટમાં ફરિયાદ નોધાવતાં કોર્ટે ઇનસ્યોરેન્સ કંપનીના બ્રાંચ મેનેજર ને હાજર રહેવા જણાવ્યું હતું.

ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર રહેતા ભાવિનભાઇ રમેશચંદ્ર પટેલ દ્વારા પંચમહાલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કોર્ટમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતે તથા તેઓની પત્ની તેમજ બે બાળકોની રૂ.5 લાખની ગોધરા ખાતે કાર્યરત સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપનીની મેડીકલ પોલીસી જે તે વખતે લીધી હતી.ભાવિનભાઇ છેલ્લા 10 વર્ષથી નિયમિત મેડીકલ પોલીસીનું પ્રીમીયમ ભરી રહ્યા છે. ચાલુ વર્ષે વીમા કંપનીમાં મેડીકલ પોલીસીના રૂ.18071 નું પ્રીમીયમ પણ ભર્યું હતું. ભાવિનભાઇની પત્ની કેયુરીબેનને પેટને લગતી ઝાડાની તકલીફ પડતા તેઓને વડોદરાની ગેસ્ટ્રોકેર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે વર્ષ 2023 ના માર્ચ માસમાં સારવાર લીધી હતી. બીમારીની સારવાર અર્થે રૂ.70,442 નો ખર્ચ થયો હતો. ભાવિનભાઇએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની ગોધરા ખાતેની ઓફિસે મેડીકલ પોલીસી હેઠળ વિમા કલેમ ફોર્મ ભર્યું હતું. ભાવીનભાઇની પત્નીના મેડિકલ કલેમને વિમા કંપનીએ તદન ખોટા અને ગેરકાયદેસર નાં કારણો આગળ ધરીને મેડિકલ કલેમ નામંજૂર કરી દીધો હતો. જેથી ભાવિનભાઇએ વિમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગ્રાહક કોર્ટે વિમા કંપનીના ગોધરા ખાતેના બ્રાન્ચ મેનેજરને નોટીસ પાઠવીને આગામી તા.21.6.2023 ના રોજ હાજર રહેવા હુકમ કર્યો છે.