ગોધરા શહેરમાં પાલિકાના વાહનોમાં ડમ્પીંગ સાઈડ ઉપર લઈ જતાં વાહનો ઉપર તાડપત્રી ઢાંકવા માંગ

ગોધરા,ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો થતો કચરો નગર પાલિકાના વાહનોમાં ભરી ગોધરા શહેરમાં આવેલા ડમ્પીંગ સાઈટ પહોંચાડવામાં આવે છે. પરંતુ તેની ઉપર તાડપત્રી ઢાંકવામાં આવતી ન હોવાથી કચરો તેમજ ધુળ ઉડીને આખા રસ્તે ફેલાય છે. જેને કારણે વાહનચાલકો, રાહદારીઓ ઉપરાંત જે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા વાહનોમાં ભરી લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશો ની માંગ ઉઠવા પામી છે.

એકબાજુ પંચમહાલ જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, તો બીજી બાજુ વાતાવરણમાં પણ પોતાનો મિજાજ બદલતા સમગ્ર જીલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતો સહિત સામાન્ય વર્ગ ચિંતિત બન્યો છે. આ કમોસમી વરસાદના લીધે સમગ્ર જીલ્લામાં વાયરલ ફીવર, તાવ-શરદી-ખાંસી- ડેન્ગ્યુ-મેલેરિયા જેવી બીમારીઓએ દસ્તક લીધી છે. જેના કારણે મોટાભાગના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારો માંથી એકઠો કરવામાં આવતો કચરાને જાહેર મુખ્ય માર્ગો ઉપર ખુલ્લા ટ્રેક્ટર અને ડમ્પરોમાં લઈ જવામાં આવી રહ્યો છે. ત્યારે આ કચરો ધૂળની સાથે ઉડે છે. જેના કારણે રાહદારી, વાહન ચાલકો તેમજ આજુબાજુ રહેતા સ્થાનિક લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે આ કચરાના કારણે બીમારી ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા જે એકઠો કરીને કચરો ઉઠાવવામાં આવે છે તેના ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશો માંગ ઉઠવા પામી છે.