ગોધરા,ચૂંટણી જાહેર થતાની સાથે પોલીસ તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કામગીરી આરંભવામાં આવી છે. જોકે પંચમહાલ જીલ્લામાં સમય દરમિયાન દારૂ, હથિયાર સહિત અસામાજીક તત્ત્વ જીલ્લામાં ગેરકાયદે પ્રવેશ કરે તે માટે 45 એફએસટી, 60 એસએસટીની ટીમો કાર્યરત રહેશે અને અવર જવર કરતા વાહનો ઉપર બાજ નજર રાખવામાં આવશે. ઉપરાંત પેાલીસ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્ય બોર્ડર પર બેરીકેટ ગોઠવવામાં આવ્યું છે.
આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે, ત્યારે આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરાવવા માટે જીલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે. જેને લઇને ગોધરા શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. ગોધરા શહેરના વડોદરા રોડ પર આવેલ દાહોદ વડોદરા બાયપાસ ચોકડી, દાહોદ રોડ પર પરવડી ચોકડી, લુણાવાડા રોડ પર છબનપુર ચોકડી, તેમજ અમદાવાદ રોડ પર આવેલ ભામૈયા જકાતનાકા પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, સાથે જ સંપૂર્ણ ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જીલ્લામાં 45 એફએસટી, 60 એસએસટીની ટીમો કાર્યરત રહેશે.