ગોધરા શહેર સીગ્નલ ફળીયામાં રહેતા એકમાત્ર હિન્દુ પરિવારના મોભીનું મૃત્યુ થતાં મુસ્લીમ સમાજ દ્વારા હિન્દુ વિધી પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યો

ગોધરા,
ગોધરા શહેરના સીગ્નલ ફળીયા વિસ્તારમાં એકમાત્ર રહેતા હિન્દુ પરિવારના વ્યકિતનું હ્વદય રોગના હુમલા થી મોત નિપજાવા પામ્યું હતું. ત્યારે આડોશ પાડોશમાં રહેતા મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હિન્દુ રીતીરિવાજો પ્રમાણે હિન્દુ સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધી કરી કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું.

ગોધરા શહેરના સીગ્નલ ફળીયા વિસ્તારમાં છેલ્લા ૩૫ વર્ષથી એકમાત્ર હિન્દુ પરિવાર વસવાટ કરે છે. તેવા હિન્દુ પરિવારના રાધેશ્યામ ગોસ્વામીનું આજરોજ વહેલી સવારે હ્વદય રોગનો હુમલો આવતાં અવસાન થયું હતું. મુસ્લીમ પરિવારોની વચ્ચે રહેતા એકમાત્ર હિન્દુ પરિવારનો પહેલો સગો પાડોશીના સૂત્રને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. મૃતક રાધેશ્યામ ગોસ્વામીના પાડોશી મુસ્લીમ સમાજના સલીમભાઈ પઠાણ સહિતના આગેવાનો દ્વારા મૃતક રાધેશ્યામ ગોસ્વામીની અંતિમવિધી માટે હિન્દુ રીતીરિવાજો મુજબ તૈયારી કરી હતી અને ગોધરા હિન્દુ સ્મશાન ખાતે નનામી લઈ જઈને મુસ્લીમ સમાજના લોકો તેમજ મિત્ર હોય તેવા હિન્દુ મિત્રોના સહયોગ લઈને અંતિમ સંસ્કાર કર્યા હતા. ગોધરામાં મુસ્લીમ સમાજ દ્વારા હિન્દુ સમાજના મૃતકની અંતિમવિધી હિન્દુ રીતીરીવાજો મુજબ કરીને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.