ગોધરા,
પંચમહાલ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ પૈકી કેટલાક ઓરડા જર્જરિત અવસ્થામાં હોવાના કારણે નાના ભૂલકાઓ જીવના જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈ ચોમાસા પૂર્વે વેકેશન દરમિયાન નવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાનું બાંધકામ અથવા જર્જરિત ઓરડાનું સમારકામ કરવામાં આવે એવી વાલીઓમાં ઉગ્ર માંગ ઉઠી હતી. જોકે તેમ છતાં આજદિન સુધી સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ હાલમાં જ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ છે અને શાળાઓ શરૂ થતાજ સંલગ્ન વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરીને શાળા પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો અને નાના ભૂલકાઓને શાળા પ્રવેશ પણ આપવામાં આવ્યો, પરંતુ હાલ પણ પંચમહાલ જિલ્લામાં અનેક પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ છે. હવે નવું સત્ર શરૂ થઈ ગયું છે અને વાવાઝોડા સાથે ચોમાસુ પણ શરૂ થઈ ગયું છે ત્યારે નાના ભૂલકાઓ ને પ્રાથમિક શાળામાં મોકલતા હાલ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે, તે સાથે જ જર્જરિત ઓરડાની સમારકામ કામગીરી કરવામાં આવે અથવા વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ વાલીઓમાં ઉઠી છે.
પંચમહાલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ પૈકી કેટલીય શાળાઓના ઓરડા લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં છે. આ જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરી નવીન ઓરડા બનાવવા માટે સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ મુજબ ઠરાવ કરી રાજ્યકક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી નવા ઓરડા બનવા અંગેની કામગીરી પૂર્ણ થઈ શકી નથી, અગાઉ નવીન ઓરડા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. દરમિયાન પણ ટેકનીકલ ગુંચ કહો કે કોઇ કોન્ટ્રાકટર કામગીરી કરવા માટે તૈયાર નહિ હોવાની બાબત પરંતુ કેટલાય મહિનાઓ સુધી આ કામગીરી ખોરંભે પડી હતી. જે માંડ માંડ હવે શરૂ થઈ છે. જોકે, આ કામગીરી દરમિયાન તમામ જર્જરિત ઓરડા એક સાથે નવા બની જશે અને વિદ્યાર્થીઓ-વાલીઓની ચિંતા દૂર થઈ જશે એવું નથી, ખેર ! આ તમામ બાબતો વચ્ચે હોતી હૈ ચલતી હૈ ની નીતિ વચ્ચે આ વર્ષે પણ વેકેશન પૂર્ણ થઈ ગયું તેમ છતાં કેટલીય જર્જરિત ઓરડા ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓની આશા દિવા સ્વપ્ન બની ગઈ છે. ત્યારે જોવું કે સરકારનો સંલગ્ન વિભાગ જર્જરિત ઓરડા માંથી પોપડા ખરી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા બાદ જાગશે કે એ પૂર્વે જરૂરી કામગીરી કરશે, પરંતુ હાલ તો વાલીઓ આ જર્જરિત ઓરડાઓને લઈ ભારે ચિંતામાં મુકાયા છે.
પંચમહાલ જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓ પૈકી 1151 ઓરડા જર્જરિત થતાં ડિસમેન્ટલ કરવા મંજૂરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જર્જરિત ઓરડાઓ પૈકી હાલ 196 ઓરડાની કામગીરી કરવામાં આવી રહી છે 256 ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. જયારે 359 ઓરડાનું સમારકામ કરવાની સ્થિતિમાં છે. જેમાંથી 254 ઓરડાનું સમારકામ પૂર્ણ થયું છે, અતિ જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓને ચોમાસામાં શિક્ષણ માટે નહીં બેસાડવા અને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વૈકલ્પિક વ્યવસ્થા માટે આચાર્યોને સૂચન કરવામાં આવ્યું છે. એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવી રહ્યા છે.
સરકાર દ્વારા દર વર્ષ યોજવામાં આવતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે એ આવરદાયક બાબત છે, પરંતુ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સલામતીની બાબત અને જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે એ પણ જરૂરી છે.
હાલમાં જ શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો ત્યારે નાના ભૂલકાઓને નવા ઓરડાઓ ક્યારે મળશે
પંચમહાલ જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો. જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં નાના ભૂલકાઓને સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ થી લઈ સ્થાનીય ધારાસભ્યોની ઉપસ્થિતી માં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારે આ અધિકરીઓ, મંત્રીઓ અને સ્થાનીય ધારાસભ્યોના ધ્યાને આ જર્જરિત ઓરડાઓની સમસ્યા ના આવી હોય અને આવી હોય તો નાના ભૂલકાઓને ક્યારે નવા ઓરડાઓ મળશે તે જોવાયું રહ્યું ..?