- કલેક્ટર સુજલ મયાત્રા અને પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકીના હસ્તે નાના ભૂલકાઓનું ધોરણ- 1 માં નામાંકન.
- જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 2000 આંગણવાડીમાં 5154 બાળકોનું નામાંકન.
- જિલ્લામાં પ્રથમ દિવસે 472 શાળાઓમાં 6810 બાળકોનું થયું નામાંકન.
- જિલ્લામાં કુલ 15 લાખ 55 હજાર 983 રૂપિયાનું દાન અને લોકફાળાનું થયું અનુદાન.
ગોધરા,
સમગ્ર રાજ્યમાં આજરોજ શરૂ થયેલ 17માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં વિવિધ અધિકારીઓ/પદાધિકારીઓ અને મહાનુભાવો હસ્તે આજ રોજ અલગ અલગ શાળાઓ પર નાના ભૂલકાઓનું નામાંકન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લામાં આજ રોજ પ્રથમ દિવસે 472 શાળાઓમાં 6810 બાળકોનું હર્ષભેર સ્વાગત કરીને નામાંકન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શિક્ષણવિદો દ્વારા વિધાર્થીઓને પાયારૂપી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જિલ્લાની કુલ 2000 આંગણવાડીમાં કુલ 5154 ભૂકાઓનું નામ નોધીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં વિવિધ દાતાઓ થકી 15 લાખ 55 હજાર 983 રૂપિયાનું રોકડ તથા દાનનું માતબર અનુદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ ગોધરા તાલુકાની ચંચોપા પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું તથા બાળકોને બેગ, નોટબુક અને ચોકલેટ આપીને આવકાર્યા હતા. આ સાથે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોધરા તાલુકાની અછાલા પ્રાથમિક શાળા ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં કુલ 47 બાળકોએ ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે નવીન ભૂલકાઓને આવકાર્યા હતા તથા જણાવ્યું હતું કે ભણતર સિવાય વ્યક્તિનો ઉદ્ધાર નથી તથા આપણે સૌ કોઈએ સહિયારા પ્રયાસો થકી દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. આ સાથે આંગણવાડીનાં બાળકોને ચિત્રપોથી અને કલર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.