ગોધરા,
ગોધરા નગરને સ્વચ્છ રાખવાની જવાબદારી ગોધરા નગરપાલિકાની છે. ત્યારે ગોધરા શહેરના મધ્યમાં આવેલા અતિશય ગંદકીથી ખદબદી રહેલા રામસાગર તળાવની જાળવણી અને માવજત કરવાની જવાબદારી ગોધરા નગરપાલિકા તંત્રની છે. પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ રામસાગર તળાવના કિનારાની જાળવણી અને સફાઈ કરવામાં આવતી ન હતી. ત્યારે આજરોજ ગોધરાના સંત નિરંકારી મિશન દ્વારા 250થી વધારે મહિલા સેવાદારો રામસાગર તળાવને કિનારે ખદબદતી ગંદકીમાં ઉતરીને જાતે કચરો કાઢી ગંદકીને દૂર કરી હતી અને એક અનોખો સંદેશ ગોધરા નગરવાસીઓને આપ્યો હતો.
બોકસ: સફાઈ અભિયાનમાં 16 જેટલી સામાજિક સંસ્થાઓ જોડાઈ….
સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના 75માં અમૃત મહોત્સવના અવસર પર સદ્દગુરૂ માતા સુદ્દીશાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં આજરોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મનના શુભ આશયેથી 250થી વધારે નિરંકારી ભક્તો અને નિરંકારી મહિલા સેવાદારો દ્વારા ગોધરા રામસાગર તળાવના કિનારે તથા જુલેલાલ ઘાટ ઉપર જામેલી લીલ કિચડ પ્લાસ્ટિક કચરો વગેરેની ગંદકી સાફ કરવામાં આવી હતી અને ગોધરા નગરની સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો. આ સફાઈ અભિયાન અંતર્ગત ગોધરાની 16 જેટલી સામાજિક સંસ્થાઓ જોડાઈ અને સહભાગી બન્યા હતા.
બોકસ : શહેરના મધ્યમાં આવેલું બ્યુટી પોઇન્ટ ગણાતું……
રામસાગર તળાવ ગોધરાના જાણીતા ડો. સુજાત વલીએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરા શહેરના મધ્યમાં આવેલું એકમાત્ર બ્યુટી પોઇન્ટ ગણાતું રામસાગર તળાવ છે અને તેની જાળવણી કરવાની તેને સ્વચ્છ રાખવાની જવાબદારી ગોધરાની પ્રજાની છે. ત્યારે ગોધરાની પ્રજાએ એની સ્થિતિ કેવી બનાવી દીધી છે, તે આપણે જોઈ શકીએ છીએ. અતિશય ગંદકીથી ખદબદતું રામસાગર તળાવ કિનારે કચરાઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા હતા. ત્યારે નગર પાલિકાના 100 માણસોને મૂકીએ તો પણ સફાઈની કામગીરી ન થાય એવી સ્થિતિમાં ગોધરાની ધન નિરંકારી સમાજની બહેનોએ સ્વચ્છતા અભિયાનની મુહિમ ઉપાડી એક ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું હતું. જ્યારે બહેનો આવું કરી શકે તો ગોધરાની જનતા કેમ નહીં આજે સફાઈ પર જાળવણી અને ફરી આવી ગંદકી ન થાય તેની જવાબદારી ગોધરાની જનતાની છે. ગોધરાનાસર્વધર્મ ધાર્મિક સંગઠનો સ્વચ્છતાની બાબતને ધ્યાનમાં રાખી વાતને ઉપાડે તો ગોધરાનો કોઈ ખૂણા પર કચરા જોવા નહીં મળે, ગોધરાને સ્વચ્છ બનાવવું હશે તો દરેકે એક થવું પડશે.
બોકસ: નિરંકારી મિશન દ્વારા સ્વચ્છતા અભિયાનની મુહીમ ઉપાડવામાં આવી….
ત્યારબાદ વિદ્યાબેન નિરંકારીએ જણાવ્યું હતું કે, આજે સદગુરૂના આદેશ અનુસાર પ્રોજેક્ટ પરિયોજના અંતર્ગત આજે નિરંકારી મિશન અમૃત દ્વારા સ્વચ્છતા અભિયાનની મુહીમ ઉપાડવામાંઆવી છે. જેમાં 250 જેટલા સ્વયંસેવકો દ્વારા વોલન્ટરી આજે તન્મયતાની સાથે રામસાગર તળાવના કિનારે ગંદકી દુર કરી સફાઈ કરી હતી. આ સફાઈ અભિયાનમાં ગોધરાની સામાજિક સંસ્થામાં જેમાં દાઉદી વ્હોરા સમાજ, ગાયત્રી પરિવાર, સહિતના ભાવનાશીલ લોકો જોડાયા હતા. આ સફાઈ અભિયાન પછી જે કાળજી લેવાની જવાબદારી ગોધરાની જનતાની છે અને કોઈપણ લોકોએ તળાવમાં કચરો નાખો નહીં.વનિતાબેન જોષીએ જણાવ્યું હતું કે, સંત નિરંકારી મિશનના આજે સૌ સેવાદારો અને સંત નિરંકારીના અનુયાયો એ સંત નિરંકારી મિશનના સદગુરૂ સુદ્દીશાની માતાના અમૃત પ્રોજેક્ટ જે ભારત સરકાર સાથે સ્વચ્છ જળ સ્વચ્છ મન અંતર્ગત રામસાગર તળાવના કિનારે ગંદકી દૂર કરી સફાઈ કરી રહ્યાં છે. 250 થી વધારે સેવાદારો ભેગા થઈને 15થી વધારે ટ્રેકટર કચરાના ઢગલા કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અહીં ખૂબ ગંદકી છે માટે આપણે સૌ પણ પ્રાણ લઈએ કે આપણે ગંદકી નહીં કરીએ અને ગંદકી નહીં કરવા દઈએ. જો જળ સ્વચ્છ રહેશે અને જળ સ્વચ્છ રહેશે તો આપણું સ્વાસ્થ્ય સારૂં રહેશેની વાત કરી હતી.