માથાકૂટ સીસીટીવી કેમેરામાં કેદ:ગોધરા સબજેલમાં કેદીઓએ ધમાલ મચાવી : જેલની અંદરના દરવાજાને લાતો મારી તોડી નાખવાનો પ્રયાસ

ગોધરા શહેરમાં આવેલી સબજેલના કેદીઓ દ્વારા મુલાકાત માટે જેલ સિપાઈ સાથે બુમાબુમ કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અને જેલની અંદરનો મુખ્ય દરવાજાને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ જેલમાં ગેરકાયદે ભેગા થઇને જેલના મેઇન દરવાજાને તોડી નાખવાની કોશીષ સાથે ઉશ્કેરણી કરતા ચાર કેદી સામે ફરિયાદ નોંધાઇ હતી. સબજેલમાં થયેલી માથાકુટ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

ઉલ્લેખનિય છે કે, ચાર કેદીઓ દ્વારા જ જેલના અંદરના દરવાજાને લાતો મારીને ધમાલ મચાવીને તોડવાની કોશીષ કરતાં તમામ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. ગોધરાની સબજેલમાં શૈલેષકુમાર છત્રસિંહ પટેલની ફરજ જેલના આરોપી તથા કેદીઓની મુલાકાત માટે આવતા મુલાકાતીઓની નોંધ કરી મુલાકાત કરાવવાની હોય છે. તા.12ની બપોરે મુલાકાત દરમ્યાન સોહેલ ઐયુબભાઇ જમાલની મુલાકાત ન હોવા છતાં ગેરકાયદે રીતે અન્ય કેદીઓની સાથે મુલાકાત રૂમમાં આવી ગયો હતો. જેથી કોની પરવાનગીથી મુલાકાત રૂમમાં આવ્યો ? તેમ કહેતા જોરજોરથી બુમો પાડીને શૈલેષભાઇની ફરજમાં રૂકાવટ કરી હતી. સોહેલ જમાલે શૈલેષભાઇને બહાર જોઇ લેવાની તથા મહીલાની છેડતી કરવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

તે દરમ્યાન જેલ અધિક્ષક તથના અન્ય જેલ સિપાઇઓ આવી જતા સોહેલને અધિક્ષકની ચેમ્બરમાં લઇ ગયા હતા. આ સમયે જેલની અંદરના ભાગે આવેલ ગેટના દરવાજા જોર જોરથી ઠોકવાની કોશિશ કરવા લાગ્યો હતો. ઘણા બધા આરોપીઓ ભેગા થઇને જેલની સલામતીને ભયમાં મુકાતા તેઓને તગેડી મુકીને તેઓની બેરેકમાં મુકી આવ્યા હતા. જેલ અધિક્ષકની ચેમ્બરના સીસીટીવી કુટેજ ચેક કરતા વસીમ નિશાર ખાલપાની મુલાકાત પુરી થતા તે પણ જેલના મેઇન ગેટમાં ઉભા રહીને જેલની અંદરનો દરવાજો પોતાની જાતે ખોલીને બહાર ગયો હતો.

અને ત્યાં ઉભેલા ઇરફાન બશીર અહેમદ હયાતને ઉશ્કેરણી કરી હતી. આરોપીઓ ઇરફાન અને વસીમે મોટેથી બુમો પાડી ઇશારાઓ કરીને અન્ય કેદીઓને બોલાવ્યા હતા. ત્યારે આરોપી ફુજલ ઇદરીશ આલમ તથા વાસીમ જેલની અંદરના મેઇન ગેટને જોરજોરથી લાતો મારી તોડી નાખવા માટે ઉશ્કેરણી કરતા હતા. આમ તમામ આરોપીઓ ગેરકાયદે રીતે ભેગા મળીને ઉશ્કેરણી કરીને જેલની સલામતીને ભયમાં મુકી હતી. આ અંગેની શહેર એ ડીવીઝન પોલીસ મથકે પાકા કેદી સોહેલ ઐયુબ ભાઇ જમાલ, કાચા આરોપીઓ ફુજલ ઇદરીશ આલમ, વસીમ નિશાર ખાલપા તથા ઇરફાન બશીર અહેમદ હયાત સામે અધીક્ષકે ફરીયાદ નોધવાની હુકમ કરતા શૈલેષભાઇએ ફરીયાદ નોધાવી હતી. જોકે આ ઘટનાના પગલે જેલ તંત્રે પણ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.

જેલ બહારથી પ્રતિબંધિત વસ્તુઓ અંદર આવે છે ગોધરાની સબજેલ માં કેદીઓ ને મર્યાદા કરતા વધુ રાખવામાં આવ્યા છે. સબજેલ ત્રણ બાજુ દીવાલ હોવાથી કેદીઓ મુલાકાત દરમ્યાર જેલમાં નશીલી દવાઓ,તમાકુ,પડીકીઓ સહિત વસ્તુઓ નાખવાનું નક્કી થયા છે. બાદમાં નક્કી કરેલ સમયે જેલ ની બહારથી કોથળીમાં પ્રતિબંધિત પડીકીઓ સહિત વસ્તુઓ અંદર નાખે છે. જેલની બહાર થી નાખેલ થેલીઓ કેટલીક વાર જેલની પોલીસ પકડી પાડે છે. જેલમાં નાખેલી વસ્તુઓ નાખવામાં નશીલી સેવન પણ કેદીઓ કરતા હોય છે.

સબજેલમાંથી મોબાઈલ મળ્યાના બનાવો બન્યા છે અગાઉ જેલમાંથી કેદી દ્વારા ઈન્સ્ટાગ્રામ માં જેલ નો ફોટો મુક્યા નો બનાવ બન્યો હતો.તેમજ અગાઉ પોલીસે જેલમાં તપાસ કરતા 10 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા.ત્યારે સબજેલ નવીન શહેર ખાતે બની રહી છે. તયારે આગામી દિવસોમાં આ સમસ્યાથી છૂટકારો મળી શકશે.