ગોધરા,
ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર-૨ ઉપર પસાર થતી માલગાડીનો દરવાજો અચાનક ખુલી જતા ચાર જેટલા પોલ તુટી પડ્યા હતા. રેલ તંત્રે સમય સુચકતા વાપરતા મોટી દુર્ધટના ટળી હતી. આ તુટેલ દુર્ધટનાના પગલે રેલ્વે પોલીસ તથા રેલ અધિકારીઓ દોડી આવીને પુર્વવત સ્થિતિ બનવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગોધરા રેલ મથકે બપોરના સમયે પંજાબમાંથી ચોખાનો જથ્થો લઈને વડોદરા એફ.સી.આઈ.લઈ જવા માટે માલગાડી પસાર થઈ રહી હતી. અત્યંત વ્યસ્ત પૈકી ગોધરા રેલ મથકે પેસેન્જર અને માલગાડી ટ્રેનની અવર જવર રહે છે તેવા સમયે રવિવારે હોળીના દિવસે પસાર થઈ રહેલી માલગાડીનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. આ ખુલેલો દરવાજો ધડાકાભેર પાણી પુરા પાડતા પોલ સાથે અથડાયો હતો. અચાનક પાણીનો પોલ અને ખુલેલા દરવાજા સાથે ધડાકાભેર અથડાતા ચાર પોલ જમીનદોસ્ત થયા હતા. એકીસાથે પાણી પુરવઠો પહોંચતા પોલ તુટી પડતાની જાણ થતાં ટ્રેન ડ્રાઈવર દ્વારા સમય સુચકતા વાપરીને માલગાડી થોભાવી દીધી હતી. આ અકસ્માતના પગલે રેલ તંત્રના અધિકારીઓ તથા ફરજ ઉપરના રેલ સુરક્ષા કર્મીઓ સ્થળે પહોંચીને દુર્ધટનાની સમીક્ષા હાથ ધરી હતી. સાથે સાથે આ ચિંતાજનક દુર્ધટનામાં કોઈ જાનહાનિ ન નોંધાતા હાશકારો વ્યાપ્યો હતો. આ ઉપરાંતની જાણ થતાં સ્ટેશન માસ્ટર આર.પી.એફ.પોલીસ સહિત સ્થાનિક રેલ્વે અધિકારીની ટીમ દોડી આવી હતી. ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૨ ઉપર બનેલ દુર્ધટનાને લઈને મુસાફર વર્ગમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી. આ માલગાડીમાં પંજાબથી ચોખાનો જથ્થો ભરીને વડોદરા એફ.સી.આઈ.લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન દરવાજો ખુલ્લો રહેતા મોટી દુર્ધટના બનતા અટકતા સોૈએ હાશકારો અનુભવ્યો હતો. આ ધટના સમયે પ્લેટફોર્મ ઉપરથી દહેરાદુનથી મુંબઈ જઈ રહેલ દહેરાદુન એકસપ્રેસ ટ્રેન ઉભી રાખવામાં આવી હતી. ધટના સ્થળે હાજર રેલ્વે અધિકારી અભિષેક ત્રિપાઠી દ્વારા તમામ પરિસ્થિતિનો કયાસ કાઢીને સમિતિને અહેવાલ મોકલી અપાયો હતો.