ગોધરા, ગોધરાના રામપુરા કોતરની ધસ નજીક બે ઈસમોએ ભેગા મળીને એક ગૌવંશની કતલ કરી હતી. જ્યારે અન્ય એક ગૌવંશને પોલીસ અને ગૌરક્ષકો દ્વારા કતલ થતાં બચાવી લેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે ગોધરાના રામપુરા ગામે આવેલ કોતરની ધસમાં વસીમ અબ્દુગફાર અદા ઉર્ફે વસીમ કર્નલ અને અનવર લતીફ ગુણીયા તથા અન્ય બે ઈસમોએ ભેગા મળીને બે ગૌવંશ કતલના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ અને અગ્નીવીર ટીમના કાર્યકર્તાઓ દ્વારા ગત 4 તારીખે સાંજના સમયે બાતમી મુજબની જગ્યાએ છાપો મારવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પર ભેગા થયેલા ઈસમો દ્વારા બે પૈકી એક ગૌવંશની ક્રૂરતાપૂર્વક ગળું કાપીને કતલ કરી દેવામાં આવી હતી. જ્યારે એક ગૌવંશને કતલ થયા તે પૂર્વે જ ઉગારી લેવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસની રેઇડ જોઈને તમામ ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા. પોલીસે ગૌવંશ તેમજ બાઈક અને અન્ય સાધનો મળીને કુલ રૂ 65,260 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ચાર ઈસમો સહિત બે ઈસમો સામે નામજોગ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધીને ફરાર થયેલા ઇસમોને શોધવાની તજવીજ હાથ ધરી હતી.