ગોધરા પોલીસે ટ્રકમાં ​​​​હેરાફેરી કરાતા 35 લાખના વિદેશી દારુના જથ્થા સાથે એકની અટકાયત કરી

31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો છે. ગોધરા તાલુકાના ગઢ ગામે એક ટ્રકમાં અલ્ટ્રાટેક સિમેન્ટની ટાંકી બનાવી ટ્રકમાં લઈ જવામાં આવી રહેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી છે. આ સાથે પોલીસે 35,80, 836 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂની રેલમછેલ ન થાય તે માટે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે એલસીબીના પીઆઈ એન એલ દેસાઈ દ્વારા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દબોચી લેવામાં આવી રહ્યા છે.

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઈને જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. જેમાં ગોધરા એલ.સી.બી.પોલીસે આજરોજ એલ.સી.બી.પોલીસના પી.એસ.આઇ.એસ.આર. શર્માને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રક (જી.જે.12.બી. એકસ.6068) માં સિમેન્ટની ટાંકી બનાવી ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દાહોદથી વડોદરા તરફ જનાર છે.

બાતમી આધારે ગોધરા એલ.સી.બી.પોલીસ દ્વારા ગોધરા તાલુકાનાં ગઢ ગામે નાકાબંધી દરમિયાન ટ્રક આવતા તેને રોકી ટ્રકમાં તપાસ કરતાં ટ્રક છૂપાવી રાખેલો રૂ.25,74,996 નો વિદેશી દારૂની બોટલો, રોકડ રકમ,મોબાઇલ ફોન સહિત કુલ રૂ.35,80,836 નાં મુદ્દામાલ સાથે દારૂની ખેપ મારતા ખેપિયા ઝાકીરખાન મુનીર ખાન પઠાણ (રહે.ફતેહ નગર રેલવે સ્ટેશન ની પાછળ, માવલી,ઉદય પુર,રાજસ્થાન) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે એલસીબી પોલીસે સહ આરોપી તરીકે ભંવરલાલ ઉદયલાલ મેનારીયા(રહે. ચોરાવાડી અકોલા,તા.કપાસણ,જી.ચિત્તોડગઢ ) ને દર્શાવ્યો હતો.