ગોધરા પાલિકામાં 6 ગ્રામ પંચાયતનો સમાવેશ કર્યાને 2 વર્ષ જેટલો સમય વિતી ગયો છે. 6 ગ્રામ પંચાયતના દસ્તાવેજો મુજબ 8 હજાર મિલ્કત બતાવી રહી છે. પણ પાલીકાની તપાસમાં 25 હજાર ઉપરાંત મિલકતો આવેલી છે. જેની આકરણી ન થતા પાલિકાને વેરાની કરોડોની આવક ગુમાવવાનો વારો આવી રહ્યો છે. એક તરફ ગોધરા નગર પાલિકા આર્થિક સંકટથી ઘેરાયેલી છે તો બીજી તરફ અણઆવડત અને નિરસતાથી પાલિકા વેરા વસૂલાતની કરોડોની રકમ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે 6 ગ્રામ પંચાયતની આકરણી નો સર્વે પાલિકાના નિવૃત કર્મચારીઓ કરશે.
ગોધરા પાલીકામાં કોર્ટના વિવાદ બાદ આખરે વાવડી બુઝર્ગ, જાફરાબાદ, ગોવીંદી, દયાળ, ભામૈયા તથા ચિખોદ્દરા ગ્રામ પંચાયત સમાવેશ થયો છે. આ સમાવેશ થયા બાદ વાવડી બુઝર્ગ ની 8 હજાર મિલ્કત, ગોવિંદી ની 4 હજાર મિલ્કત, જાફરાબાદ ની 4 હજાર મિલ્કત, ભામૈયા ની 3 હજાર મિલ્કત, ચિખોદરા ની 3 હજાર મિલ્કત, દયાળ ની 2 હજાર મિલ્કત આમ 25 હજાર ઉપરાંત મિલકતની આકરણી કરવામાં આવી નથી. જયારે 8 હજાર મિલકત ધરાવતી વાવડી બુજર્ગ વિસ્તારમાં મોટાભાગે બાઇક, કાર શો રૂમ, મોલ અને હાઈ પ્રોફાઇલ સોસાયટી અને બંગલો તેમજ કોમ્પલેક્ષ આવેલ છે. આ વિસ્તારોમાં પાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેની સામે પાલિકા હાલમાં રાજ્ય પંચાયત નિયમો મુજબ ન જેવો મિલકત વેરો વસૂલી રહી છે. તેવામાં વાવડી બુજર્ગ સહિત 6 ગ્રામ પંચાયત વિસ્તારની આકરણી કરવામાં આવે તો ગોધરા નગર પાલિકા ને મોટી આવક થઈ શકે અને કરોડોના દેવામાંથી ગોધરા નગર પાલિકાને મુક્તિ મળી શકે તેમ છે. જેથી પાલિકા દ્વારા આકારણી માટે પ્રક્રીયા હાથ ધરી છે. પાલિકા દ્વારા આકારણી કરવા માટે એજન્સીને કામગીરી સોંપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ મિલકતની આકરણી માટે જે એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે. તે ભાવ નગર પાલિકાને પોસાય તેમ નથી. ત્યારે આગામી દિવસોમાં 6 પંચાયત વિસ્તારના મિલકત વેરા આકારણીની કામગીરી ગોધરા પાલિકાના નિવૃત કર્મચારીઓના સહયોગથી કરવામા આવશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
આકરણીમાં સાચી મિલ્કતનો આંકડો બહાર આવશે પાલીકામાં 6 ગ્રામપંચાયતનો સમાવેશ થતા તમામ ગ્રા.પ.ના મિલ્કતોના દસ્તાવેજો ચેક કરતા પાલિકાને 8 હજાર જેટલી મિલ્કત મળી આવી હતી. પણ પાલીકા દ્વારા ખાનગી સર્વે મુજબ આશરે 6 ગ્રા.પ.માં 25 હજાર કરતા વધુ મિલ્કતો આવેલી હોવાનું જણાઇ આવ્યું છે. ત્યારે પાલીકામાં સમાવેશ થયાની જાહેરાત થતા ગ્રામ પંચાયતમંા વિસ્તારના મિલ્કત ધારકોએ ચાલુ વર્ષ સહિત અન્ય વર્ષોની ગ્રા.પં. મુજબનો મિલ્કત વેરા ભરી દીધા હોવાનું જાણવા મળી રહયું છે.હવે પાલીકા આકરણી કરશે તો સાચો આંકડો બહાર આવશે.
જયેશ ચૌહાણ, પાલીકા પ્રમુખ
વસુલાત વિભાગના નિવૃત કર્મી પાસે આકરણી કરાવીશું ગોધરા પાલીકામાં 6 ગ્રામપંચાયતનો સમાવેશ કરવાની કાર્યવાહી થઇ ચુકી છે. પાલીકા પાસે દસ્તાવેજો મુજબ 8 હજાર મિલ્કત બતાવી રહી છે. પરંતુ હકીકતમાં 6 ગ્રા.પ.માં 25 હજાર મિલ્કત હોવાનું લાગતા ઇ- ટેન્ડર કરવામાં આવ્યું હતું. ટેન્કરમાં એજન્સીનો ભાવ પાલીકાને પોષાય તેમ ન હોવાથી વસુલાત વિભાગના નિવૃત કર્મચારીને સાથે રાખીને 6 ગ્રા.પ.ની 25 હજાર મિલ્કતોની આકરણી કરાશે :