ગોધરા પોલીસ લાઈનની નવી બિલ્ડિંગની લિફટમાં બાળક ફસાઈ જતાં રેસ્કયુ કરી બચાવાયુ

ગોધરા, ગોધરા શહેર ખાતે આવેલા પોલીસ લાઈનના નવીન બિલ્ડિંગના બ્લોકના બીજા માળે સાત વર્ષનુ બાળક રમતા રમતા લિફટમાં ફસાઈ જતાં રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યુ હતુ.

ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાવવામાં આવેલ નવીન બિલ્ડિંગના બ્લોક 19-એ ના બીજા માળે એક સાત વર્ષનુ નાનુ બાળક રમતા રમતા લિફટની અંદર પહોંચી ગયુ હતુ અને લિફટનો દરવાજો બંધ થતાં લિફટ ચાલુ થઈ જઈ અને બીજા માળ ઉપર લિફટ બંધ થતાં બાળક અંદર ફસાયુ હતુ. પોલીસ લાઈનના પોલીસ કર્મીઓએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરતા તાત્કાલિક ધટના સ્થળ ઉપર પહોંચી જઈ પાંચ થી સાત મિનિટમાં લિફટમાં ફસાયેલ બાળકને લિફટ ખોલીને સહી સલામત બહાર કાઢી લેવાયુ હતુ.

ગોધરા શહેર પોલીસ હેડ કવાર્ટરની અંદર નવીન બનાવવામાં આવેલ બિલ્ડિંગની નીચે કેટલાક બાળકો રમી રહ્યા હતા. ત્યારે તેમાંથી એક સાત વર્ષનુ બાળક રમતા રમતા લિફટમાં બેસી ગયુ હતુ. અને લિફટ ચાલુ થતાં બિલ્ડિંગના બીજા માળ ઉપર જઈને લિફટ અટકી ગઈ હતી. બાળક લિફટમાંથી બહાર આવવા માટે ધણા પ્રયાસો કર્યા પરંતુ બહાર આવી શકયુ ન હતુ. જેથી જોર જોરથી બુમાબુમ કરી રડવા લાગ્યુ હતુ. જેથી બિલ્ડિંગની આસપાસ રહેતા રહિશોએ ધરમાંથી બહાર આવી લિફટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લિફટ ખુલી ન હતી. એટલામાં પોલીસ લાઈનની નવી બિલ્ડિંગમાં રહેતા કેટલાક પોલીસ જવાનો લિફટને ખોલવાનો અડધો કલાક સુધી પ્રયાસો કર્યા પરંતુ લિફટ ખુલી ન હતી. જેથી પોલીસ હેડ કવાર્ટરના લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ સહિત ટીમનો કાફલો ધટના સ્થળે દોડી આવી લિફટને ખોલીને બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યુ હતુ.જેના પગલે પરિવારજનોએ હાશકારો અનુભવી આભાર માન્યો હતો.