ગોધરા,ગોધરા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વિવિધ વિસ્તારોમાં પંચમહાલ પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના કોમ્બિંગ દરમ્યાન ગૌમાંસનો જથ્થો તેમજ ગૌવંશના વિવિધ અવયવો પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા. જ્યારે એક આરોપીને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીને બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે તા 11 જૂન મંગળવારે વહેલી સવારે ગોધરા શહેરના ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ, પંચમહાલ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ, ગોધરા તાલુકા પોલીસ તથા ગોધરા શહેર અ ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ સ્થળોએ કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા 212 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ગૌવંશના વિવિધ કપાયેલા અવયવો મળી આવ્યા હતા. પોલીસના કોમ્બિંગ દરમ્યાન એક ઇસમ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પકડાયેલા ઇસમને તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ તૈયબ જણાવ્યું હતું. જે અગાઉ પણ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છેકે, આગામી સમયમાં મનાવવામાં આવનાર બકરા ઈદ પર કુરબાની માટે ગૌવંશ સહિતના અન્ય પશુઓને ઉગારી લેવા માટે પોલીસ સહિત ગૌરક્ષકો દ્વારા કમર કસવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇને કસાઈઓમાં ફફડાટ ફેલાયો છે.