ગોધરા પશ્ચિમ વિસ્તાર ક્બ્રસ્તાન રોડ ઉપર ગટરની ખુલ્લી અને તુટેલી ગટરોની મરામત કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતા સ્થાનિક યુવાનોએ ફંડ ફાળો એકત્ર કરી ચેમ્બરોની કામગીરી શરૂ કરી

ગોધરા પશ્ચિમ વિસ્તારના કબ્રસ્તાન રોડ ઉપર ગટરની ચેમ્બરો તુટેલી હોય આ બાબતે વિસ્તારમાં ચુંટાયેલા પાલિકા સભ્યોને કહેવામાં આવ્યા છતાં ગટરની કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા હોય જેને લઈને સ્થાનિક મુસ્લિમ સમાજના યુવાનો જાતે ફંડ ફાળો ભેગો કરીને ગટર ચેમ્બરોની કામગીરી શરૂ કરાવી છે.

ગોધરા પશ્ચિમ વિસ્તારમાં વિશ્વનું સોૈથી મોટુ કબ્રસ્તાન ધરાવતુ હોય તે રોડ ઉપર છેલ્લા લાંબા સમયથી ગટરના ચેમ્બરો ખુલ્લી પડેલ હોય આ રોડ ઉપર ઈકબાલ સ્કુલ આવેલ હોય જેને લઈ વિધાર્થીઓની અવર જવર રહેતી હોય ત્યારે ગટરોની ખુલ્લી ચેમ્બરોમાં કોઈ વિધાર્થી અથવા રોડ ઉપરથી પસાર થતા વાહનચાલક પડી જવાનો ભય રહેતો હોય કબ્રસ્તાન રોડ ઉપર ગટરોની ખુલ્લી ચેમ્બરો માટે આ વિસ્તારના ચુંટાયેલા પાલિકા સભ્યોને અવાર નવાર રજુઆત કરવામાં આવી હોય છતાં ગટરની ખુલ્લી ચેમ્બરોની મરામત કરવામાં નિષ્ફળ રહ્યા હોય જયારે બીજી તરફ નગરપાલિકા દ્વારા ગટરની ખુલ્લી ચેમ્બરોની મરામત કામગીરી કરે તેવો વિશ્વાસ ન હોય જેને લઈ સ્થાનિક મુસ્લિમ સમાજના યુવાનોએ આસપાસમાંથી ફંડ ફાળો ભેગો કરવામાં આવ્યો હતો.

અને કબ્રસ્તાન રોડ ઉપર ગટરના તુટેલ ચેમ્બરો જે અકસ્માતને નોતરૂ આપે તેવી હતી તેવી ગટરોનુ સમારકામ શરૂ કરાવ્યુ હતુ. સ્થાનિક યુવાનો દ્વારા અત્યાર સુધી ત્રણ નવી ચેમ્બરોની કામગીરી કરાવી છે અને અંદાજિત 20,000/-રૂપિયાનો ખર્ચ કર્યો છે. પાલિકા દ્વારા જે ગટરની ખુલ્લી ચેમ્બરોની મરામત કરવાની જવાબદારી હોય તે પુરી કરવામાં નહિ આવતા સ્થાનિક યુવાનો ફંડ ફાળો ભેગો કરી ગટરોની ચેમ્બરો બનાવવાની શરૂઆત કરી છે.