ગોધરા,
ગોધરા શહેર પાસે આવેલ પરવડી બાયપાસ નજીક આવેલ જય જલારામ સ્કુલ પાસે આજ રોજ બપોરના અરસામાં ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાહોદ તરફ જઈ રહેલા કાર ટ્રેલર સાથે ગેસ ટેન્કર ધડાકાભેર અથડાતાં ગેસ ટેન્કર મુખ્ય માર્ગ ઉપર પલ્ટી મારી ગયું હતું. જેના પગલે મુખ્ય માર્ગ ઉપર અવર જવર કરતા વાહનોની લાંબી કતાર લાગી ગયેલ હતી. ગેસ ટેન્કર અને કાર ટ્રેલર ના સર્જાયેલ અકસ્માત માં ગેસ ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.
સદ્દભાગ્યે ગેસ ટેન્કર ખાલી હોવાને લઇને એક મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર અથડાવાને લઇને કાર ટ્રેલર નો એક ભાગ ચિરાઈ જવા પામ્યો હતો. અકસ્માતને લઇને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટ્યા હતા. બનાવને લઇને એલ એન્ડ ટી અને ગોધરા તાલુકા પોલીસની ટીમ દોડી આવી હતી. એલ એન્ડ ટીની ટીમ દ્વારા ક્રેન વડે ટેન્કરના કેબિનમાંથી ડ્રાયવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગેસ ટેન્કર અને કાર ટ્રેલરમાં થયેલ અકસ્માતમાં કેબીનમાં ફસાયેલ ચાલકને બે ક્રેન ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ હતું. આ અકસ્માતમાં ગેસ ટેન્કર ચાલકને ગંભીર ઇજાઓ થઈ જતા ચાલક ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.