ગોધરા,ગોધરા નજીક આવેલી પરવડી પાંજરાપોળના સંચાલકો ઉનાળાની ગરમીમાં પશુઓ માટેના ઘાસચારાના ભાવવધારાને કારણે ચિંતિત બન્યા છે. ત્યારે સંચાલકો દ્વારા સરકાર પાસેથી સહાયની માંગ કરવામાં આવી છે. બે હજાર ઉપરાંત પશુઓના આશ્રયસ્થાન સમી પરવડી પાંજરાપોળમાં નિભાવ ખર્ચ મુશ્કેલ બન્યો છે.
ગોધરાની પરવડી ચોકડી પાસે જીલ્લાની સૌથી મોટી શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ આવેલું છે. જેમાં હાલમાં બે હજાર ઉપરાંત અબોલ પશુઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુકા ઘાસચારાનો ભાવ વધતા પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો ચિંતિત બન્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પશુ દીઠ અપાતી રૂા. 30 રૂપિયાની સહાય રૂા.100 થી કરવામાં આવે તેવી માંગ પાંજરાપોળ ગૌશાળા સંચાલક દ્વારા કરવામાં આવી છે. ગોધરાના પરવડી સ્થિત આવેલી પાંજરાપોળ ગૌશાળામાં 2000 થી વધુ પશુઓને હાલમાં રાખવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લા માંથી કતલખાને લઇ જવાતા પશુઓને ઉગારી લઇને ગોધરા સ્થિત પાંજરાપોળ ગૌશાળામાં આશ્રય આપવામાં આવે છે. ત્યારે હાલમાં ઘાસચારાના ભાવમાં વધારો થતાં પશુઓનો નિભાવ ખર્ચ મુશ્કેલ બન્યો છે. સાથે સાથે પાંજરાપોળ ગૌશાળાના સંચાલક દ્વારા દાતાઓને પણ દાન આપવા માટે અપીલ કરવામાં આવી છે.