
- હાઈવે ઉપર પાણી ભરાવા સાથે મસ મોટા ખાડા પડી જવાના કારણે અકસ્માતની ઘટના બને તેવી શક્યતા.
- અહીંથી પસાર થતી વખતે અમુક બાઈક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયા હોવાના બનાવો બન્યા છે.
- હાઈવે ઉપરની પરિસ્થિતિથી તંત્ર વાકેફ હોવા છતાં મોટી ઘટનાની રાહ દેખી રહ્યા.
ગોધરા,ગોધરા શહેરા હાઇવે ઉપર પંચામૃત ડેરી પાસે હાઇવે માર્ગ ઉપર પાણી ભરાઈ રહેતા હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ હાઇવે માર્ગ ઉપર સતત વાહનોની અવરજવર રહેવા સાથે હાઇવે ઉપર પાણી ભરાઈ રહેતા હોવાથી નાના મોટા અક્સ્માત પણ આના કારણે થઈ રહ્યા હોવાનું જાણવા મળેલ હતુ. અહીં કોઈ મોટી ઘટના બને એ પહેલા સંબંધિત તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગીને હાઈવે ઉપર ભરાતા પાણી બંધ થાય એ માટેની કામગીરી હાથ ધરવામાં આવે એવી આશા વાહન ચાલકો રાખી રહ્યા હતા.
ગોધરા શહેરા હાઇવે માર્ગ ઉપર ત્રણ જિલ્લાની મુખ્ય પંચામૃત ડેરી અહીં આવેલી છે આ ડેરી પાસેથી હાલોલ શામળાજી હાઇવે માર્ગ પસાર થતો હોય અને રોજિંદા આ હાઇવે ઉપરથી નાના મોટા થઈને 5000 કરતાં વધુ વાહનો પસાર થતા હોય છે જ્યારે પંચામૃત ડેરી પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર પાણી ભરાઈ રહેતુ હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે તકલીફ પડતી હોવા સાથે અમુક સમયે વાહનને પણ નુકસાન થતું હોય તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા આ હાઇવે ઉપર ભરાતા પાણીનો નિકાલ નહીં કરવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકોનો આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો હતો આ હાઈવે ઉપર આ પાણી ભરાવાની સમસ્યા આજની નથી પણ કેટલાક મહિનાઓની હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ ગંભીરતા લેવામાં ન આવવાના કારણે નાના મોટા અકસ્માતો પણ અમુક સમયે આના કારણે થતા હોવાનું જાણવા મળેલ હતું જોકે અહીં રસ્તા ઉપર ભરાયેલ પાણી ચોખ્ખું હોવા સાથે પંચામૃત ડેરી તરફથી આવતું હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને બહુ જ ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂૂરી લાગી રહયુ છે. હાઇવે માર્ગ ઉપર પાણી ભરાવા સાથે મસ મોટા ખાડા પણ પડી ગયા હોય એના કારણે અમુક સમયે બાઈક ચાલકો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નાના અકસ્માતો બનવા પામ્યા હોય તેમ છતાં સંબંધિત તંત્ર અહીં કોઈ મોટી ઘટનાની રાહ દેખી રહી હોય એવું લાગી રહ્યું છે. જે જગ્યાએ પાણી હાઇવે ઉપર ભરાયા હોય ત્યાં વળાંક પણ હોવાથી વાહન ચાલકોને આના કારણે અકસ્માત થવાનો ભય પણ સતત સતાવી રહ્યો હોય પરંતુ આળસુતંત્રના કારણે આ સમસ્યાનો હલ ન આવવાના કારણે ન છૂટકે રોજિંદા અહીંથી હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થવા સાથે આ હાઇવે માર્ગ ઉપર ધીમે ધીમે ખાડાઓનું સામ્રાજ્ય વધતું જતું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતા નહીં લેવામાં આવે તો આવનાર દિવસમાં જાગૃત વાહન ચાલક દ્વારા જિલ્લા કલેકટરને લિખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવે તો નવાઈ નહી.