ગોધરા પાલિકા શોપીંગ સેન્ટર કલાલ દરવાજાની 25 જેટલી દુકાનોને ભાડું ચુકવવા પાલિકા વેરા વિભાગે નોટીસ આપી

  • નોટીસમાં ત્રણ દિવસમાં ભાડું ન ચુકવે તો ભાડા કરારમાં ભંગની કાર્યવાહી કરાશે.

ગોધરા, ગોધરા શહેરમાં નગર પાલિકા શોપીંગ સેન્ટરની 20 થી 25 % દુકાનો ઉપર પાલિકા વેરા વસુલાત ટીમ દ્વારા નોટીસ પાઠવીને ત્રણ દિવસમાં ભાડાની રકમ ભરપાઈ નહિ કરે તો પાલિકા સાથે શોપીંગ સેન્ટરની દુકાનો માટે દુકાનદારો સાથે થયેલ ભાડા કરારની શરત મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ગોધરા પાલિકાની કલાલ દરવાજા વિસ્તારમાં આવેલ પાલિકા શોપીંગ સેન્ટરની 20 થી 25 દુકાનદારોને વર્ષ 2023-2024ના વર્ષમાં પાલિકા દ્વારા દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવ્યા હતા. જેના નિયમ મુજબ તા.1 થી 5 સુધીમાં દુકાનના ભાડાની રકમ ભરપાઈ કરવાની હોય છે. તેમ છતાં પાલિકા શોપીંગ સેન્ટરના દુકાનદારો દ્વારા આજદિન સુધી ભાડાની રકમ ભરપાઈ નહિ કરતાં પાલિકા વેરા વસુલાત વિભાગ દ્વારા પાલિકાની 20 થી 25 દુકાન ધરાવતા દુકાનદારોને ભાડાની રકમ ત્રણ દિવસમાં ભરવા માટે નોટીસ આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં ભાડાની રકમ ભરપાઈ નહિ કરે તો પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનોના ભાડુઆત કરાર કરેલ હોય તેની શરત ભંગ કર્યાની કાર્યવાહી કરવામાંં આવશે તેવી નોટીસ પાઠવવામાંં આવી છે.

એક તરફ પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનોના ભાડામાં પાલિકા દ્વારા 700 થી 1100 % જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ ભાડાનો વધારો પરત ખેંચવા માટે દુકાનદારો દ્વારા વિરોધસાથે દુકાનો સ્વૈચ્છિક બંધ રાખીને પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી ભાડાનો વધારો પરત ખેંચવા જણાવ્યું હતું. ત્યારબાદ દુકાનદારો દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટરને પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનોના ભાડામાં તોતીંગ ભાડા વધારાને લઈ લેખિતમાં રજુઆત કરીને ભાડા વધારો પરત ખેંચવામાં આવે તેમજ શોપીંંગ સેન્ટરની દુકાનોની હરાજી વખતે કરાર મુજબ દર પાંચ વર્ષ 10 % ભાડા વધારા મુજબ ભાડામાં વધારો યથાવત રાખવામાં આવે તેવી માંગ રજુઆત કરાઈ હતી. આવી દુકાનદારોની રજુઆતો વચ્ચે પાલિકા દ્વારા કલાલ દરવાજા વિસ્તારની 20 થી 25 દુકાનદારોને દુકાનભાડાની વસુલાત માટે નોટીસ પાઠવી ત્રણ દિવસમાં ચુકવવા જણાવીને કાર્યવાહી કરવા જણાવતા દુકાનદારો હવે અટવાયા હોય તેવું લાગી રહ્યું છે.