ગોધરા પાલિકા સામે પ્રતિક ધરણા ઉપર બેઠેલ પેન્શનરોએ આજે વાસણો લઈ રાહદારીઓ પાસેથી ભીખ માંગી વિરોધ વ્યકત કર્યો

ગોધરા,

ગોધરા નગરપાલિકાના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પેન્શન નહિ ચુકવતા પાલિકા કચેરી સામે ધરણા ઉપર બેઠા છે. ધરણા ઉપર બેઠેલા પેન્શનરો આજરોજ પાલિકા કચેરી બહાર હાથમાં વાસણો લઈને રાહદારીઓ પાસેથી ભીખ માંગીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગોધરા નગરપાલિકાના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પેન્શન ચુકવવામાં આવ્યુ નથી. જેને લઈ નિવૃત્ત કર્મચારીઓ જે માત્ર પેન્શન ઉપર ગુજરાન ચલાવતા હોય તેવા કર્મચારીઓના જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને અનેક રજુઆતો છતાં પેન્શન ચુકવણી નહિ કરવામાં આવતા 28 ડિસેમ્બરથી પાલિકાના નિવૃત્ત કર્મચારી પેન્શનરો પાલિકા કચેરી સામે પ્રતિક ધરણા ઉપર બેઠા છે. હાલ પાલિકાના 295 પેન્શનરોને પેન્શનની ચાર મહિનાથી ચુકવણુ કરવામાં આવ્યુ નથી. અને પ્રતિક ધરણા ઉપર ઉતર્યા બાદ પણ પાલિકા તંત્રનુ પેટનુ પાણી હાલતુ ન હોવાથી પ્રતિક ધરણા ઉપર બેઠેલા પેન્શનરો દ્વારા આજરોજ પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણાના સ્થળે હાથમાં વાસણો લઈને રાહદારીઓ પાસેથી ભીખ માંગી હતી. પાલિકાના નિવૃત્ત પેન્શનરોને પેન્શનની ચુકવણી નહિ કરતા અનોખો વિરોધ કરીને પોતાની વ્યથા વર્ણવી છે. હવે જોવુ રહ્યુ કે પાલિકા તંત્ર પેન્શનરોને પેન્શનની ચુકવણી કયારે કરે છે.