ગોધરા પાલિકા વિસ્તારના વોર્ડ નં.-1માં આવેલ જય માતાજી રેસીડેન્સી, રાધાકૃષ્ણ પાર્ક, માં સરસ્વતી સોસાયટી, કલાસાગર, લક્ષ્મી સોસાયટી, સહિતની સોસાયટીઓમાં 150 ઉપરાંત પરિવાર છેલ્લા ચાર વર્ષથી વસવાટ કરે છે. પાલિકામાં વેરાઓ ભરવા છતાં પ્રાથમિક સુવિધા અપુરતી મળતી હોય જેને કારણે સ્થાનિક રહિશોને હાલાકી વેઠવી પડતી હોય ત્યારે પ્રાથમિક સુવિધાઓ માટે સોસાયટીના રહિશો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.
ગોધરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.-1માં આવતી જય માતાજી રેસીડેન્સી, રાધાકૃષ્ણ પાર્ક, માં સરસ્વતી સોસાયટી, સહિતની સોસાયટી આવેલ છે. આ સોસાયટીઓમાં 150 ઉપરાંત પરિવારો વસવાટ કરી રહ્યા છે. સોસાયટીના રહિશો દ્વારા પાલિકામાં વેરાઓ ભરતા હોય તેમ છતાં પાકા રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પીવાનુ શુદ્ધ પાણી, ગટરલાઈન, કચરાના નિકાલ માટે કચરા પેટી જેવી સુવિધાઓનો અભાવ છે. ચોમાસાની સીઝનમાં ડોકયા વિસ્તારમાં રસ્તાઓ ઉપર તળાવનુ પાણી રેલાવાને લઈ રહિશોને અવર જવરમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.
આ વિસ્તારમાંથી શાળામાં અભ્યાસ અર્થે જતાં વિધાર્થીઓને શાળા જવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. રિક્ષા ચાલકો કાદવ-કિચડ અને ઉબડ ખાબડ રસ્તાને લઈ વધારે ભાડું આપવા છતાં આવવા તૈયાર થતા નથી. ગાડી ઉપર પસાર થવામાં રસ્તામાં કાદવ-કિચડને લઈ લપસી જવાથી અકસ્માતના બનાવો બને છે. આ વિસ્તારમાં રહેતા 5રિવારોની સગર્ભા મહિલાઓને તેમજ વૃદ્ધ વ્યકિતઓને અવર જવર માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.પાલિકામાં અનેક વખત પ્રાથમિક સુવિધાઓ માટે રજુઆતો કરવા છતાં કોઈ પગલા ભરવામાં નહિ આવતા સ્થાનિક સોસાયટીના રહિશો દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીમાં અધિક કલેકટરને આવેદન આપીને રજુઆત કરી હતી.