ગુજરાતની 107 નગરપાલિકાઓ દેવાળુ ફુંકવાની અણી પર છે. જેમાં ગોધરા પાલિકાનો પણ સમાવેશ થાય છે.
ગોધરા નગરપાલિકાના ચુંટાયેલા જન પ્રતિનિધિઓ વહીવટ કામગીરી સંભાળવા નિષ્ફળ ગયા છે. પાલિકાની આર્થિક સ્થિતિ ઓકસીજન પર હોય તેમ લાગી રહ્યુ છે. પાલિકાઓની તિજોરીઓ ખાલીખમ થઈ ગઈ છે. કયારેક પાલિકાઓને વીજ બિલ ભરવાના પૈસા ખુટે છે. તો કયારેક કર્મચારીઓને ચુકવવા માટે પગારના પૈસા ખુટે છે. ગોધરા પાલિકા બાકી કરવેરાની 28 કરોડની રકમની વસુલાત કરવામાં પણ ઉણા ઉતર્યા છે. જેથી હાલની સ્થિતિ એવી છે કે પાલિકાઓ પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. જેથી પાલિકા પોતાના કર્મચારીઓને ત્રણ માસથી પગાર ચુકવી શકયા નથી.
એપ્રિસ માસનો પેન્શનરોનો પગાર બાકી બોલે છે. બાકીના મે અને જુન માસનો પગાર કાયમી રોજમદાર સહિત કર્મચારીઓનો પગાર આવક નહિવત હોવાથી ચુકવી શકયા નથી. પાલિકાને શહેરીજનો પાસેથી ચાલુ વર્ષ અને પાછલા વર્ષના વેરા પેટે 28 કરોડની વસુલાત બાકી બોલે છે. પાલિકાની ભાડાની દુકાનનો મામલો કોર્ટમાં હોવાથી ભાડાની આવક બંધ છે. જેના લીધે પાલિકાને દર માસે આશરે એક કરોડની આવક સામે પગાર, ઈંધણ સહિત 2.50 કરોડ ખર્ચ થાય છે. જેના લીધે પાલિકા પેન્શન સહિત કર્મચારીઓના ત્રણ માસથી પગાર ચુકવી શકતી નથી. ગોધરા પાલિકાની હાલ આર્થિક સ્થિતિ ખખડી જતાં મુખ્યમંત્રી આવનાર દિવસોમાં પાલિકા અને ચીફ ઓફિસરને બોલાવીને સમીક્ષા કરવાના છે. જેમાં પાલિકાના સત્તાધિશોને મહેકમ અને આર્થિક પાસાને લઈને નિર્ણય લેવામાં આવશે તેવી આશા સેવી રહ્યા છે.