ગોધરા પાલિકા માંડ જાગીને રમજાન ઈદ પહેલા પશ્ચિમ વિસ્તારમાં સાફ-સફાઈ અને દવાનો છંટકાવ ઝુંબેશ શરૂ કરી

ગોધરા,ગોધરા નગરપાલિકા દ્વારા આજરોજ પશ્ચિમ વિસ્તારમાં આગામી સમયમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ દરમિયાન ઈદનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ તમામ વિસ્તારોમાં ગટર લાઈનથી લઈને રોડ રસ્તાની સાફ-સફાઈ તેમજ દવાઓનો છંટકાવ કરી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાફ-સફાઈ જેવી બાબતને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી તેમજ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાનમાં ચાલી રહ્યો છે. ત્યારે સ્વચ્છતા બાબત પર ધ્યાન આપવામાં આવે તે માટે સામાજિક કાર્યકર રમજાની જુજરા દ્વારા લેખિતમાં ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને આજરોજ ગોધરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સુરપાલસિંહ સોલંકી તેમજ નગરપાલિકાના સફાઈ કામદારોને સાથે રાખી પશ્ચિમ વિસ્તારની સાફ સફાઈ કરાવી હતી અને જ્યાં જરૂર જણાય તેવા તમામ વિસ્તારોમાં સફાઈ કામદારો પાસે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જેસીબી મશીન દ્વારા જે પણ વિસ્તારોમાં કચરાના ઢગલાઓ હતા. તેને ભરાઈને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, પશ્ચિમ વિસ્તારમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સુરપાલસિંહ સોલંકી દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવતા મુસ્લિમ બિરાદરોએ રાહતનો શ્વાસ લીધો હતો.